મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારના મંત્રીપદની રેસમાં હું નથી: શ્રીકાંત શિંદે

03 December, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે પુત્રને નાયબ મુખ્ય પ્રધાન બનાવશે એવી અટકળોનો આવ્યો અંત

શ્રીકાંત શિંદે

મુખ્ય પ્રધાનપદ પરથી પોતાનો દાવો જતો કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતાઓ જે કહેશે એ અમને માન્ય હશે એવું કહેનારી શિવસેના પસંદગીની મિનિસ્ટ્રી મેળવવા માટે જોર લગાવી રહી હોવાથી હવે એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ અને મિનિસ્ટ્રીને લઈને શું નિર્ણય લેશે એના પર બધાની નજર છે ત્યારે છેલ્લા બે દિવસથી તેમના પુત્રના નામને લઈને ચાલી રહેલી અટકળો પર ખુદ શ્રીકાંત શિંદેએ પડદો પાડી દીધો છે. ગઈ કાલે તેમણે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે હું નાયબ મુખ્ય પ્રધાનની રેસમાં નથી.

શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે ‘મહાયુતિની સરકારની શપથવિધિમાં થોડું મોડું થઈ રહ્યું હોવાથી અત્યારે ચર્ચા અને અફવાઓનું બજાર ગરમ છે. કૅરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પ્રકૃતિ સારી ન હોવાથી બે દિવસ ગામ જઈને તેમણે આરામ કર્યો પણ આને લીધે અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. છેલ્લા બે દિવસથી હું નાયબ મુખ્ય પ્રધાન બનીશ એવા સમાચાર પ્રશ્નચિહ્‍‍ન સાથે ચલાવવામાં આવી રહ્યા છે પણ હકીકતમાં એવું કંઈ નથી. મારા નાયબ મુખ્ય પ્રધાનપદને લઈને જે પણ સમાચાર આવી રહ્યા છે એ નિરાધાર અને સત્યવિહોણા છે. લોકસભા પછી પણ મને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ મળતું હતું પણ પક્ષના સંગઠન માટે કામ કરવાની ઇચ્છા હોવાથી ત્યારે પણ મેં મંત્રીપદની ના પાડી દીધી હતી. રાજ્યમાં કોઈ પણ પ્રકારના મંત્રીપદની રેસમાં હું નથી એ ફરી એક વાર સ્પષ્ટ કરું છું. મારા નામને લઈને જે પણ ચર્ચા ચાલી રહી છે એના પર હવે પૂર્ણવિરામ મુકાવો જોઈએ એવી અપેક્ષા રાખું છું.’ 

mumbai news mumbai eknath shinde devendra fadnavis political news maharashtra political crisis shiv sena