18 September, 2023 11:00 AM IST | Mumbai | Priti Khuman Thakur
હૈદરાબાદના ગાયક રાધાકૃષ્ણ અને આરોપી રાજુ શાહ
વસઈની એક લોજમાં ઊતરેલા હૈદરાબાદના એક ગાયકની ગઈ કાલે બપોરે હત્યા કરવામાં આવી હતી. હત્યા કરાયેલા ગાયકની ઓળખ ૫૮ વર્ષના રાધાકૃષ્ણ વ્યંકટરમન તરીકે થઈ છે. આ કેસમાં પોલીસે લૉજમાં ઊતરેલા રાજુ શાહ નામના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
ગાયક રાધાકૃષ્ણ હૈદરાબાદમાં રહે છે અને વસઈમાં એક લગ્નમાં ગાવા આવ્યા હતા. તેઓ વસઈની યાત્રી નામની લૉજમાં રોકાયા હતા. આ લૉજમાં રાજુ શાહ નામનો ડ્રાઇવર પણ ઊતર્યો હતો. બન્ને એક જ રૂમમાં રહેતા હતા. ગઈ કાલે બપોરે બન્ને વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સમયે રાજુએ રાધાકૃષ્ણને નજીકમાં પડેલી છરી વડે માર માર્યો હતો. લૉજના સ્ટાફે તરત જ પોલીસને બોલાવી હતી અને પોલીસે રાજુની ઘટનાસ્થળે જ ધરપકડ કરી હતી. આરોપી રાજુ શાહ ગુજરાતમાં રહે છે.
ગાયક રાધાકૃષ્ણએ થોડા દિવસ પહેલાં માણિકપુર પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ગીતો ગાયાં હતાં.
આ બનાવ વિશે માણિકપુર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી સંપતરાવ પાટીલે કહ્યું હતું કે અમે આરોપી રાજુ શાહની ધરપકડ કરી છે અને તેની વધુ તપાસ કરી રહ્યા છીએ.