ત્રણ તામિલિયન્સ જેવા સેંકડો ભારતીય ખલાસીઓ વિદેશમાં જીવે છે જોખમી જીવન

09 February, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એજન્ટો દ્વારા ફસાયેલા આ નાવિકોએ જોખમી વાતાવરણમાં કામ કરવા માટે તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો બળજબરીપૂર્વક સરેન્ડર કરવા પડે છે અને તેઓ અવાજ ઉઠાવે તો તેમના પર હુમલો કરવામાં આવે છે

નિવૃત્તિ બાગુલ, આવિષ્કર જગતાપ

ઇન્ડિયન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ તામિલનાડુના ત્રણ નાવિકોની ધરપકડ કરી હતી. તેઓ ફિશિંગ બોટમાં કુવૈતથી મુંબઈ તેમના પરિવારોને મળવા ગેરકાયદે રીતે આવી પહોંચ્યા હતા. કુવૈતથી મુંબઈની ૧૦ દિવસની સફરમાં તે ત્રણેય વ્યક્તિએ બ્રેડ પર જ સર્વાઇવ કર્યું હતું. તેમની પીઠ પર ખંજરનાં નિશાન હતાં. તેમને તેમના કામનું વેતન પણ નહોતું મળ્યું.

વાત એમ છે કે તેમના જેવા સેંકડો ભારતીય નાવિકો શિપિંગ એજન્ટોથી છેતરાઈને હજી પણ ઈરાન, મલેશિયા, દુબઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં અટવાયેલા છે. એજન્ટો દ્વારા વારંવાર ફસાયેલા નાવિકોએ જોખમી વાતાવરણમાં કામ કરવા માટે વહાણમાં ચડ્યા પછી તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો બળજબરીપૂર્વક સરેન્ડર કરવા પડે છે. તેઓ અવાજ ઉઠાવે તો તેમના પર હુમલો કરવામાં આવે છે. જોકે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી આ બોગસ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં ખચકાય છે. ‘મિડ-ડે’એ વિવિધ દેશોમાં ફસાયેલા કેટલાક ખલાસીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેઓ ભાગે તો અમલદારશાહી અવરોધનો અને કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડે છે.

ઈરાની ધ્વજનું માલવાહક જહાજ બહારેહ ૧૯ જાન્યુઆરીએ કુવૈતના દરિયાકાંઠે ડૂબી ગયું હતું. એ જ્યારે ડૂબી ગયું ત્યારે નાશિકના બે નાવિક આવિષ્કર જગતાપ અને નિવૃત્તિ બાગુલ તથા પાંચ ઈરાનીઓ સહિત સાત નાવિકો વહાણમાં સવાર હતા. માત્ર આવિષ્કાર અને નિવૃત્તિ બચી ગયા હતા અને હોડીમાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. કુવૈત ઑથોરિટી તેમને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી અને બાદમાં તેમની અટકાયત કરી.

એક ના​વિકના પિતરાઈ ભાઈ અવિનાશે જણાવ્યું હતું કે ‘અમને જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં તેમણે તેમના પાસપોર્ટ તથા અન્ય મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ ગુમાવ્યા છે. તેમની પાસે સંબંધિત દસ્તાવેજો ન હોવાથી અધિકારીઓએ તેમને કુવૈતની જેલમાં રાખ્યા છે.’

‘મિડ-ડે’ સાથે વાત કરતાં તામિલનાડુના ત્રણ નાવિક પૈકી ઍન્થનીની પત્ની મોનિકાએ જણાવ્યું હતું કે ‘મારા પતિએ સતામણી અંગેની કુવૈત એમ્બેસીને ફરિયાદ વાત કરી તો તેમના પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમને ક્યાંય પણ જવા દેવાયા નહોતા. છેલ્લાં બે વર્ષમાં મારા પતિએ અમને માત્ર ૨૦,૦૦૦ રૂપિયા મોકલ્યા છે. મેં મારા પતિ સાથે વાત કરી ત્યારે તેણે મુંબઈથી બહાર નીકળવા માટે મદદ માગી, પણ મદદ કરવા કોઈ તૈયાર નથી. બે વર્ષની અગ્નિપરીક્ષા બાદ હવે પોલીસે તેમની ધરપકડ કરી છે. અમે મદદ માટે સરકાર પાસે ભીખ માગીએ છીએ.’ 

મોનિકા તેનાં બે બાળકો સાથે કન્યાકુમારીમાં સમુદ્રની નજીકના આદિવાસી વિસ્તારમાં રહે છે. મુંબઈ કિલ્લા કોર્ટમાં ખલાસીઓ માટે હાજર થયેલા ઍડ્વોકેટ સુનીલ પાંડેએ જણાવ્યું હતું કે ત્રણેને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ માટે તેમને પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 

- દિવાકર શર્મા અને ફૈઝલ ટંડેલ

mumbai mumbai news diwakar sharma Crime News