11 October, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતાની ફાઇલ તસવીર
રતન તાતાનો ક્રિકેટપ્રેમ જગજાહેર છે. ક્રિકેટરો માટે તેઓ કાયમ મદદે આવતા. કોરોનાના સમયમાં રતન તાતાએ દેશના સ્વાભિમાન માટે ૨૫૦૦ કરોડ રૂપિયાની સ્પૉન્સરશિપ પણ આપી હતી. ૨૦૨૨માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થવાની હતી, પણ એ સમયે ચીને કોરોના ફેલાવ્યો હોવાની ચર્ચા હતી એટલે ભારતમાં ચીનવિરોધી વાતાવરણ હતું. ચીનની વિવો કંપની એ સમયે IPLની સ્પૉન્સર હતી. ક્રિકેટચાહકોએ વિવો કંપનીની સ્પૉન્સરશિપ હટાવવાની માગણી કરી હતી અને બાદમાં વિવો કંપનીએ જ સ્પૉન્સરશિપ રદ કરી નાખી હતી. જોકે એ સમયે ક્રિકેટ બોર્ડ કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂક્યું હતું એટલું જ નહીં, ભારતના અનેક ક્રિકેટરો IPLમાં સામેલ હતા અને તેમની કરીઅર મુશ્કેલીમાં મુકાઈ હતી. IPLને સ્પૉન્સરની જરૂર હોવાની માહિતી રતન તાતાને મળતાં તેમણે તરત જ ૨૫૦૦ કરોડ રૂપિયાની સ્પૉન્સરશિપ જાહેર કરી હતી. આ રકમ ચીનની વિવો કંપનીએ સ્પૉન્સરશિપ માટે જાહેર કરેલી રકમ કરતાં ઘણી વધુ હતી. રતન તાતાએ ૪૦ વર્ષ સુધી ક્રિકેટરોને મદદ કરી હતી. ભૂતપૂર્વ ખેલાડી મોહિન્દર અમરનાથથી લઈને અત્યારના અનેક ક્રિકેટરોને રતન તાતાએ કોઈ ને કોઈ રીતે મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.