24 November, 2024 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયરામ રમેશ
મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામો જાહેર થયા બાદ કૉન્ગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે રિઝલ્ટ પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના લોકોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને લોકસભામાં હરાવી હતી તો આટલી મોટી જીત તેમને કેવી રીતે મળી શકે? આ એક સવાલ છે અને અમે આનું વિશ્લેષણ કરીશું. અમને ધક્કો લાગ્યો છે, પણ આ ધક્કો અમને આપવામાં આવ્યો છે. અમને હરાવવા પાછળ કોઈ ષડયંત્ર છે કે નહીં, આવાં પરિણામો કેમ આવ્યાં છે એની પણ અમે તપાસ કરીશું.’
આ મુદ્દે વધુમાં બોલતાં જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘એમાં કોઈ સંદેહ નથી કે મહારાષ્ટ્રમાં ટાર્ગેટેડ રીતે લેવલ પ્લેઇંગ ફીલ્ડ બગાડવામાં આવ્યું હતું. અમને આ પરિણામથી ધક્કો લાગ્યો છે. ચૂંટણીનાં જે પરિણામો આવ્યાં છે એ અભૂતપૂર્વ છે અને અમારા માટે પણ આશ્ચર્યજનક છે. જે જીત્યા છે તેમને પણ આવાં પરિણામોની આશા નહોતી.’
કૉન્ગ્રેસના એજન્ડા વિશે બોલતાં જયરામ રમેશે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં અમારો એજન્ડા જાતિ જનગણના, ૫૦ ટકા આરક્ષણની મર્યાદા અને અદાણી કૌભાંડ જેવો રહ્યો હતો અને આ મુદ્દા કાયમ રહેશે. એક વાત નક્કી છે કે કૉન્ગ્રેસના એજન્ડામાં કોઈ પરિવર્તન નહીં આવે. અમને ખબર છે કે રાજ્યના ખેડૂતો નારાજ છે અને વર્કિંગ ક્લાસના લોકો સરકારના વિરોધમાં છે. અમે આજે પણ માનીએ છીએ કે જે પરિણામો આવ્યાં છે એ અમારી ધારણાથી બિલકુલ વિપરીત છે. અમે જે મુદ્દા ઉઠાવ્યા હતા એ સંસદ અને સંસદની બહાર ઉઠાવતા રહીશું. અમે જે સામાજિક અને આર્થિક મુદ્દા ઉઠાવીએ છીએ એ આગળ પણ ઉઠાવતા રહીશું અને એમાં પાછા નહીં પડીએ. બંધારણની સુરક્ષા માટે અમે લડતા રહીશું. અમે ડગ્યા નથી, હાર્યા જરૂર છીએ; પણ હાર-જીત થતી રહે છે. સંગઠન મજબૂતીથી કામ કરતું રહેશે. આગળના થોડા દિવસોમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના નેતાઓ વચ્ચે વાતચીત થશે.’
ઝારખંડનાં પરિણામો વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘ઝારખંડના લોકોએ દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. તેમણે ધ્રુવીકરણની રાજનીતિને ઠુકરાવી દીધી છે. ચૂંટણીપ્રચારમાં શું-શું કહેવામાં આવ્યું હતું? વડા પ્રધાન હોય કે BJPના નેતાઓ હોય, તેમણે કેવાં-કેવાં નિવેદનો કર્યાં હતાં? ઝારખંડની ચૂંટણી માત્ર ઘૂસપેઠના મુદ્દે લડવામાં આવી હતી; પણ જનતાએ જવાબ આપી દીધો છે, આખા દેશ માટે સકારાત્મકતાનો સંદેશ આપ્યો છે.’
ચૂંટણીપંચ શેરશાયરી કરવામાં વ્યસ્ત : પવન ખેડા
મહારાષ્ટ્રનાં પરિણામોના મુદ્દે કૉન્ગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે ‘ચૂંટણીપંચને અમે વારંવાર કહીશું કે તેમણે આજ સુધી શેર અને શાયરી સિવાય કોઈ મજબૂત જવાબ આપ્યો નથી. અમે પુણેમાં વોટર્સ-લિસ્ટનો સવાલ ઉઠાવ્યો હતો. અમે EVMની બૅટરીને લગતા સવાલ ઉઠાવ્યા હતા, પણ ચૂંટણીપંચે કોઈ જવાબ આપ્યો નથી. અમે હરિયાણામાં સવાલ ઉઠાવ્યો હતો કે વોટ-શૅર કેવી રીતે વધી ગયો, પણ એનો જવાબ પણ અમને મળ્યો નથી. ચૂંટણી પૂરી થયા બાદ વોટિંગ પર્સન્ટેજ વધી જાય છે. નાગપુરમાં BJPના એક નેતાની કારમાંથી EVM મળી આવ્યું હતું, પણ ચૂંટણીપંચે એ બાબતે ચુપકીદી સેવી લીધી હતી. અમે માનીએ છીએ કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવી એ ચૂંટણીપંચનું કર્તવ્ય છે.’