12 January, 2025 10:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના જોગેશ્વરી પૂર્વમાં આવેલા ઘરનો એક ભાગ તૂટી પડતાં અનેક લોકો ગંભીર રીતે જખમી થયા હતા. આ ઘરનો ભાગ તૂટી પડતાં તેના કાટમાળ નીચે લોકો દટાઇ ગયા હતા જેનું હવે રેસક્યું કરવાનું કામ મુંબઈ પાલિકાએ શરૂ કરી દીધું છે. જોકે આ મામલે હજી માહિતી આવવાની બાકી છે. રવિવારે 12 જાન્યુઆરી 2025ની સાંજે મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિસ્તારમાં ઘરનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હોવાનું પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર, મુંબઈના જોગેશ્વરી પૂર્વમાં મજાસ વાડીમાં ગુમ્ફા દર્શન બિલ્ડીંગ નજીક ચુન્નીલાલ મારવાડી ચાલ વિસ્તારમાં સાંજે લગભગ 4:57 વાગ્યે એક ઘરનો એક ભાગ તૂટી પડ્યો હતો.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે ગ્રાઉન્ડ-પ્લસ-વન (G+1) સ્ટ્રક્ચરના ઉપરના માળનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે પાંચ લોકો ઘાયલ થયા હતા. BMC ના મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા સાંજે 6:56 વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેના પગલે પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. BMC એ જણાવ્યું હતું કે ઈમરજન્સી સેવાઓ સ્થળ પર દોડી ગઈ હતી, અને ઘાયલોને તબીબી સારવાર માટે તરત જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં સહાયક તબીબી અધિકારી (AMO) પાસેથી મળેલી માહિતી અનુસાર, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ સાથે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્યની સારવાર કરવામાં આવી હતી અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં 26 વર્ષીય લલિના વિક્રમ ભાટી, 28 વર્ષીય વિક્રમ ભાટી, 42 વર્ષીય નીતિન મહામુનકર, 35 વર્ષીય ફેન્સી ભાટી, 11 વર્ષીય લતિકા ભાટીનો સમાવેશ થાય છે, જેમને સારવાર આપવામાં આવી હતી અને તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સાયન હૉસ્પિટલ નજીકની ઈમારતમાં આગ લાગી હતી
સાયન હૉસ્પિટલ પાસે સુલોચના શેટ્ટી માર્ગ પર આવેલા ત્રણ માળના પંચશીલ બિલ્ડિંગના પહેલા માળના એક ફ્લૅટમાં ગઈ કાલે સવારે પોણાનવ વાગ્યાની આસપાસ શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. અચાનક ફાટી નીકળેલી આગને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો અને બે ફ્લૅટને નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ ઓલવાઈ નહીં ત્યાં સુધી ત્રીજા માળના રહેવાસીઓએ માનસિક તાણ સાથે ટેરેસ પર આશરો લેવા પડ્યો હતો. ત્રીજા માળના રહેવાસી રાજેશ શાહે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગતાં જે લોકો સુરક્ષાપૂર્વક દાદરા ઊતરી શક્યા તેઓ નીચે પરિસરમાં આવી ગયા હતા. જોકે ધુમાડાના ગોટેગોટા ફેલાતાં અમે ત્રીજા માળના રહેવાસીઓએ ટેરેસ પર આશરો લેવો પડ્યો હતો. અમે બધા ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. જોકે પંદર મિનિટમાં ફાયર-બ્રિગેડની ચાર વૅનને આવતી જોઈને અમને થોડી રાહત થઈ હતી. ફાયર-બ્રિગેડે અડધોથી એક કલાકમાં જ આગને નિયંત્રણમાં લઈ લીધી હતી અને અમને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા.’