14 February, 2020 12:31 PM IST | Mumbai Desk
મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવામાં નિષ્ફળ થયા બાદ પ્રદેશાધ્યક્ષ પદ પર રાજ્યમાં બીજેપીના નેતાઓમાં નિરાશા વ્યાપી હતી. બીજેપીના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષપદે કોથરુડના વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલની ફરી એક વાર નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે મંગલ પ્રભાત લોઢાને બીજેપીના મુંબઈ અધ્યક્ષપદે કાયમ રાખવામાં આવ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મહારાષ્ટ્ર અને મુંબઈના અધ્યક્ષોની જાહેરાત કરી હતી.
હાલમાં જ રાજ્યમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પ્રથમ ક્રમાંકના પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. જોકે સત્તા સ્થાપવામાં બીજેપી નિષ્ફળ રહી હતી. સત્તા ગુમાવ્યા બાદ બીજેપીમાં સંઘટનાત્મક બદલાવની ચર્ચા શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ નકારવામાં આવી હતી એ વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુળે, ચૂંટણી લડ્યા પછી પણ પરાજિત થયેલાં પંકજા મુંડે અને નારાજ નેતાઓ તેમ જ સુધીર મુનગંટીવાર પ્રદેશાધ્યક્ષના પદ માટે ઇચ્છુક હતાં. પ્રદેશાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે એના પર બધાની મીટ મંડાયેલી હતી. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના અને અમિત શાહના વિશ્વાસુ મનાતા પાટીલના માથે જ પ્રદેશાધ્યક્ષનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
બીજી બાજુ મહાઆઘાડી રચાયા બાદ મુંબઈના અધ્યક્ષપદે મરાઠી ચહેરાને આગળ કરવામાં આવશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. શિવસેનાને તેની ભાષામાં જ જવાબ આપી શકે એવા આશિષ શેલારને આ પદ આપવામાં આવશે એવું ચર્ચાઈ રહ્યું હતું. જોકે એ અપેક્ષા પણ કારગત નહોતી નીવડી અને વિધાનસભ્ય લોઢાને જ મુંબઈ અધ્યક્ષપદે કાયમ કરવામાં આવ્યા હતા.