12 April, 2023 12:44 PM IST | Mumbai | Priti Khuman Thakur
કાંદિવલીના પ્લેગ્રુપના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી
કાંદિવલી-વેસ્ટમાં એમ. જી. રોડ પર આવેલા એક પ્લેગ્રુપમાં બાળકો સાથે મારઝૂડ અને ગેરવર્તન કરવાના કેસમાં ગઈ કાલે સેશન્સ કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવી હતી. પ્લેગ્રુપના કાંદિવલીમાં રહેતા એક પેરન્ટની ફરિયાદ બાદ આ બનાવના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપીને આ ઘટનામાં સરકારે સખત પગલાં લેવાં જોઈએ એવી માગણી કરી હતી. ત્યાર બાદ કાંદિવલી પોલીસે આ ઘટનાની ફરિયાદ મળતાં જેમની સામે એફઆઇઆર નોંધ્યો હતો એ બે ટીચરો જિનલ છેડા અને ભક્તિ શાહના ઍડ્વોકેટે આગોતરા જામીન માટે કરાયેલી અરજીમાં તેમનો પક્ષ રજૂ કર્યો હતો. જોકે એની સામે ફરિયાદ કરનાર ફરિયાદી અને પોલીસ વતીના ઍડ્વોકેટે આરોપીનીઓ આગોતરા જામીનની અરજી ફગાવી દેવા માટે દલીલો કરી હતી. એથી કોર્ટે બધા પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મામલાનો આદેશ ૧૫ એપ્રિલ પર રિઝર્વ રાખ્યો છે. એથી બન્ને ટીચરોની ધરપકડ થશે કે જામીન મળશે એના પર સૌકોઈની નજર રહેશે.
કોર્ટમાં ગઈ કાલે થયેલી દલીલ વિશે માહિતી આપતાં ભક્તિ શાહ અને જિનલ છેડાનાં ઍડ્વોકેટ સુશ્રિતા ડાગાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ આગોતરા જામીનની અરજી હતી. ગઈ કાલે અમે સેશન્સ કોર્ટ દલીલ કરી હતી કે આ કેસમાં પોલીસ પાસે સીસીટીવી કૅમેરાનું ફુટેજ પહેલેથી જ છે અને એ પોલીસની તપાસ માટે પર્યાપ્ત છે. એથી બન્નેની પોલીસકસ્ટડીની પોલીસને જરૂર નથી. કોર્ટમાં અમે બાંયધરી આપી છે કે પોલીસની તપાસમાં અમે સંપૂર્ણ સહકાર આપીશું અને પોલીસ તપાસ માટે જ્યારે બોલાવશે ત્યારે હાજર પણ રહીશું. કોર્ટે આ કેસનો ઑર્ડર ૧૫ એપ્રિલે રિઝર્વ રાખ્યો છે.’
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે દિનકર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કેસમાં પ્લેગ્રુપના પેરન્ટ્સની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને તપાસ કરી હતી. જોકે આ કેસમાં જેમની વિરુદ્વ ફરિયાદ નોંધાઈ છે તે બે શિક્ષકોને નોટિસ મોકલતાં તેઓ કોર્ટમાં ગયા હોવાથી તેમનાં સ્ટેટમેન્ટ્સ નોંધાયાં નથી. એથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.’
પ્લેસ્કૂલની ટીચર સામે ફરિયાદ કરનાર પેરન્ટનાં વકીલ મૃણ્મયી ચોકીદારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે ત્રણેય પક્ષોએ દલીલ કરી હતી. અમે આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો તેમ જ કોર્ટમાં ઘટનાના સીસીટીવી કૅમેરાના ફોટો આપ્યા હતા. એવી વિનંતી પણ કરી હતી કે આ ઘટનામાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોવામાં આવે જેથી એની ગંભીરતા સમજી શકાય. અમે દલીલ કરતાં કોર્ટમાં કહ્યું પણ હતું કે આ ઘટના બાદ હાલમાં શનિવારે જ એક બાળકને આઇસીયુથી ડિસ્ચાર્જ મળ્યો છે. અનેક બાળકોને હાલમાં પણ તાવ આવી રહ્યો છે. બાળકો સ્કૂલમાં જવા તૈયાર નથી એટલી તેમના મન પર અસર થઈ છે. સ્ટેટ ગવર્નમેન્ટના કાયદા પ્રમાણે ૧૫ બાળકો પાછળ ત્રણ ટીચર હોવા જોઈએ, પરંતુ અહીં એવું નહોતું.’