કાંદિવલીના પ્લેગ્રુપનાં બાળકો બીજી સ્કૂલમાં ઍડ્જસ્ટ નથી થતાં

17 April, 2023 09:34 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અમુક બાળકોને તાવ હોવાથી તો અમુકને ડર લાગતો હોવાથી તેઓ ખૂલીને રમતાં ન હોવાનું તેમના પેરન્ટ્સનું કહેવું છે

કાંદિવલીના પ્લેગ્રુપના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી તેની ફાઇલ તસવીર

કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલા એક પ્લેગ્રુપમાં બાળકો સાથે મારઝૂડ અને ગેરવર્તનના બનાવના અનેક દિવસો બાદ બાળકોને બીજા પ્લેગ્રુપમાં બેસાડવામાં આવ્યાં હોવા છતાં તેઓ હવે બીજી સ્કૂલમાં પણ ઍડ્જસ્ટ થવા તૈયાર ન હોવાનું પેરન્ટ્સનું કહેવું છે. પ્લેગ્રુપની બહાર નહીં પણ ક્લાસની અંદર પેરન્ટ્સે તેમની સાથે બેસવું પડે છે. આ ઉપરાંત અમુક બાળકોને તાવ અને અમુકમાંથી ડરનો અહેસાસ જતો ન હોવાથી તેઓ હજી સુધી ખૂલીને રમતાં ન હોવાનું પણ પેરન્ટ્સનું કહેવું છે.

કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલા એક પ્લેગ્રુપમાં પહેલાં ભણતી દીકરીની મમ્મી અંકિતા ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પહેલી સ્કૂલમાં જે બનાવ બન્યો ત્યાર બાદ બાળકો ટીચર શબ્દથી ગભરાય છે. મારી દીકરી અને તેની સાથે પ્લેગ્રુપનાં અમુક બાળકોને બીજા પ્લેગ્રુપમાં નર્સરીમાં બેસાડવામાં આવ્યાં છે, પરંતુ તેઓ બીજા પ્લેગ્રુપમાં પણ બેસવા તૈયાર નથી. અમે પહેલાં પ્લેગ્રુપની બહાર બેસતાં હતાં, પરંતુ બાળકો એટલાં રડે છે કે નાછૂટકે ટીચરો જ અમને અંદર આવીને તેમની સાથે રહેવા કહે છે.’

કાંદિવલીમાં રહેતાં કાનન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વર્કિંગ મધર છું. પહેલાં મારો દીકરો સ્કૂલથી આવતાં કે જતાં રડતો તો અમને એવું લાગતું કે તે કદાચ મારી સાથે વધુ અટૅચ છે એટલે રડતો હશે. જોકે પછી સ્કૂલની બધી ખબર પડી. હવે તો તે ઘરમાં પણ એકલો રહેતો નથી. સ્કૂલની વાત બહાર આવ્યા બાદ તેની હાલત સમજાતાં હું તેની પાસે જ રહું છું અને હાલમાં ઑફિસમાં રિક્વેસ્ટ કરીને વર્ક ફ્રૉમ હોમ કરું છું.’

અન્ય પેરન્ટ હેમાંગી ભટ્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં જે દેખાય છે એમાં એકમાં મારો દીકરો એકદમ પાસે છે. તેના પર આ બનાવની ખૂબ અસર થઈ છે. થોડા દિવસ તો તે મધર-ટચથી પણ ગભરાતો હતો અને તેના પપ્પા પાસે વધુ રહેતો હતો. બીજી સ્કૂલમાં ઍડ્મિશન લેવા તેને અમે સાથે લઈને જતા જેથી તે એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી થાય, પરંતુ તે ત્યાં કોઈને જોવા કે નીચે ઊતરવા પણ તૈયાર નહોતો. થોડા દિવસ તો તેને ૧૦૪ ડિગ્રી જેટલો તાવ આવ્યો હતો અને ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. તેની પસંદગીની વસ્તુઓ પણ તે બરાબર ખાતો નહોતો. હાલમાં પણ તેનો મૂડ હોય તો જ ખાય છે. એથી અમે ઘરનું વાતાવરણ બદલી નાખ્યું છે અને તેને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખીએ છીએ. તે તૈયાર ન હોવાથી સમર કૅમ્પમાં પણ મોકલ્યો નથી.’

સેશન્સ કોર્ટ બાદ હવે હાઈ કોર્ટમાં આગોતરા જામીનની અરજી

દિંડોશીની સેશન્સ કોર્ટે ટીચર જીનલ છેડા અને ભક્તિ શાહની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિનકર જાધવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોર્ટના ઑર્ડરનો અભ્યાસ કર્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.’ પ્લેગ્રુપનાં ટીચર્સનાં ઍડ્વોકેટ સુશ્રિતા ડાગાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સેશન્સ કોર્ટમાં અમારી અરજી નામંજૂર થઈ હતી. અમે શનિવારે જ કોર્ટના ઑર્ડરની કૉપી માટે અપ્લાય કર્યું હોવાથી આજે સાંજ સુધીમાં મળવાની શક્યતા છે. આ ઑર્ડર કૉપીમાં તમામ વાતની બારીકાઈથી સ્ટડી કરીને મંગળવાર-બુધવાર સુધીમાં બૉમ્બે હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે જવાની અમારી તૈયારી છે.’ 

mumbai mumbai news kandivli preeti khuman-thakur