24 November, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિતેન્દ્ર ઠાકુર, ક્ષિતિજ ઠાકુર
વસઈ-વિરાર ક્ષેત્રમાં સ્થાનિક નેતા હિતેન્દ્ર ઠાકુર અને તેમના પરિવારનો ત્રણ દાયકાથી દબદબો છે. હિતેન્દ્ર ઠાકુર ૧૯૯૫થી અત્યાર સુધીમાં પાંચ વખત વસઈમાંથી ચૂંટાઈ આવ્યા હતા તો તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર ૨૦૦૯માં બહુજન વિકાસ આઘાડી (BVA)ની સ્થાપના થયા પછીથી નાલાસોપારાના વિધાનસભ્ય તરીકે સતત ચૂંટાઈ આવ્યો હતો. આટલા સમયમાં ૨૦૦૯માં એક વખત હિતેન્દ્ર ઠાકુરનો પરાજય થયો હતો અને ગઈ કાલે તેમણે અને તેમના પુત્રે પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી હિતેન્દ્ર ઠાકુરનું એકહથ્થુ રાજ હોવા છતાં વિકાસના કામને ગતિ ન મળવાને લીધે આ વખતે જનતાએ એકસાથે પિતા-પુત્રને બદલવાના ઇરાદાથી મતદાન કર્યું હોવાથી આ રિઝલ્ટ આવ્યું હોવાનું કહેવાય છે.
વસઈ બેઠક પરથી પહેલી વખત ચૂંટણી લડેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સ્નેહા દુબે-પંડિતે હિતેન્દ્ર ઠાકુરને ૩૧૫૩ મતના માજિર્નથી પરાજિત કર્યા છે તો નાલાસોપારા બેઠક પર BJPના રાજન નાઈકે ક્ષિતિજ ઠાકુરને ૩૬,૮૭૫ મતથી હરાવ્યા છે.
વસઈ અને નાલાસોપારા ઉપરાંત BVAએ બોઇસર બેઠક પણ દોઢ દાયકા બાદ ગુમાવી છે. બોઇસરની બેઠક પર ત્રણ ટર્મથી વિધાનસભ્ય રાજેશ પાટીલને શિવસેનાના વિલાસ તરેએ ૪૪,૪૫૫ મતથી હરાવ્યા છે.
વસઈ
૭૭,૫૫૩
BJPનાં સ્નેહા દુબે-પંડિતને આટલા મત મળ્યા
૭૪,૪૦૦
હિતેન્દ્ર ઠાકુરને આટલા મત મળ્યા
૩૧૫૩
આટલા મતનો તફાવત
નાલાસોપારા
૧,૬૫,૧૧૩
BJPના રાજન નાઈકને આટલા મત મળ્યા
૧,૨૮,૨૩૮
ક્ષિતિજ ઠાકુરને આટલા મત મળ્યા
૩૬,૮૭૫
આટલા મતનો તફાવત