31 December, 2024 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં વધુ એક હિટ ઍન્ડ રનની ઘટના ગઈ કાલે બની હતી. પવઈના લુબિની બુદ્ધ વિહાર સામે એક બાઇકરે સિનિયર સિટિઝનને અડફેટે લીધા હતા. સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
પવઈમાં જ રહેતા ૮૫ વર્ષના પદ્મસિંહ નેપાલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં તેમની પાસબુક અપડેટ કરવા જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રૉસ કરતી વખતે બાઇકરે તેમને પાછળથી અડફેટે લીધા હોવાથી તેઓ રોડ પર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. આ અકસ્માત વિશે વધુ માહિતી આપતાં પવઈ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર સોનાવણેએ કહ્યું હતું કે ‘અકસ્માત થયા બાદ બાઇકર જ તેમને નજીકની ઍક્સોન હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જોકે એ પછી તે ત્યાંથી નાસી ગયો હતો. સારવાર દરમ્યાન ઘાયલ પદ્મસિંહ નેપાલીનું મોત થયું છે. અમે હવે બાઇકર સામે ગુનો નોંધી તેને શોધી રહ્યા છીએ.’