મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રએ બીએમડબ્લ્યુથી સ્કૂટરને મારી ટક્કર, એક મહિલાનું મોત

07 July, 2024 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વરલી પોલીસે જણાવ્યું કે, તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે

તસવીરો: પીટીઆઈ

Hit and Run in Mumbai: મુંબઈના વરલી વિસ્તારમાં એટ્રિયા મૉલ પાસે રવિવારે વહેલી સવારે હિટ ઍન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર દંપતી પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને પાછળથી બીએમડબ્લ્યુ કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વરલી પોલીસે જણાવ્યું કે, તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આરોપી કાર ચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂટર સવાર પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનારી બીએમડબ્લ્યુ કારને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. તેના પિતા પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજી એક વ્યક્તિ બેઠી હતી, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. મિહિર કાર ચલાવતો હતો.

અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તેમાં, અકસ્માતમાં સામેલ સફેદ રંગની બીએમડબ્લ્યુ કારના આગળના ભાગ પર ડેન્ટના નિશાન જોઈ શકાય છે, જ્યારે સ્કૂટી પાછળના ભાગથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. વરલી પોલીસના જણાવ્યા અનુસાર, શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેણે પાછળથી સ્કૂટર પર સવાર માછીમાર દંપતીને ટક્કર મારી, જેના કારણે તે બંને રસ્તા પર પડી ગયા. બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને નજીકની નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી. આ ઘટનામાં સંડોવાયેલી બીએમડબ્લ્યુને પોલીસે જપ્ત કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે મીડિયાએ પોલીસને પૂછવામાં આવ્યું કે શું ડ્રાઈવરના કોઈ રાજકારણી સાથે કનેક્શન છે, તો તેમને કહ્યું કે તેઓ માહિતી એકઠી કરી રહ્યા છે. કારના માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

29 જૂને સવારે અંધેરી ઈસ્ટ ફ્લાયઓવર પર પણ અકસ્માત થયો હતો. બીએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિવેક યાદવ અને અમન યાદવ અંધેરીના ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગુંદવાલી મેટ્રો સ્ટેશન પાસે એક ઝડપી પીકઅપે બંને વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. ટક્કરને કારણે વિવેક ફ્લાયઓવર પરથી નીચે પડી ગયો અને તેનું મોત થયું અને અમન ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસે આરોપી પીકઅપ ડ્રાઈવરની પરેલથી ધરપકડ કરી હતી.

road accident worli mumbai police mumbai news mumbai news