જૈન શાસનમાં રચાશે નવો રેકૉર્ડ- આજે વર્લ્ડ આયંબિલ ડે

29 November, 2024 12:54 PM IST  |  Mumbai | Alpa Nirmal

આચાર્ય શ્રી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબના સળંગ ૯૯૯૯મા આયંબિલના દિવસે વિશ્વભરના ૧ લાખથી વધુ જૈનો આયંબિલ કરીને પોતાનું તપ ગુરુદેવને સમર્પિત કરશે

ગુરુદેવ

જૈન ધર્મમાં આયંબિલ તપને ઉત્કૃષ્ટ ગણાવાયું છે. ૨૪ કલાકમાં ફક્ત એક વખત એક જ જગ્યાએ બેસીને લીલોતરી, ફળો, તેલ-ઘી, દૂધ-દહીં, ગોળ-સાકર, મસાલા, તળેલાં ફરસાણ વિનાનો ફક્ત દાળ-કઠોળ તથા ધાન્યમાંથી બનતો ખોરાક ગ્રહણ કરવાને આયંબિલ તપ કહેવાય છે. આ તપમાં ખોરાક ખાવાનો તો છે, પરંતુ રસ-સ્વાદનો ત્યાગ કરવાનો હોવાથી આયંબિલને ઉત્તમ તપ
કહેવાયું છે.

જૈન શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આયંબિલ તપ મહામંગલકારી અને ખૂબ પ્રભાવક છે. આયંબિલના પ્રભાવે અનેક પ્રકારની વિટંબણાઓ ટળી હોવાનો અને શુભ થયાના અનેક પ્રસંગો જૈન તવારીખમાં ઉપલબ્ધ છે. એ પરંપરાએ થોડા સમય પૂર્વે ૯૯૯૯ દિવસોના સળંગ આયંબિલ કરનાર પૂજ્ય હેમવલ્લભ સૂરીશ્વરજીએ વિશ્વભરમાં સુખ તેમ જ શાંતિ સ્થપાય, ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રની સુરક્ષા જળવાય તથા જૈન ધર્મના ફિરકા, સમુદાય, ગચ્છ વચ્ચે એકતા સ્થપાય એ હેતુથી જૈનોને સામુદાયિક રૂપે આયંબિલ તપ કરવાની પ્રેરણા આપી હતી.

એ પ્રેરણા અમે ઝીલી લીધી એમ કહેતાં જૂનાગઢ-ગિરનાર સ્થિત નેમ-જિન ધર્મશાળા અને ગિરનાર દર્શન જૈન ધર્મશાળાના ચૅરમૅન તથા ટ્રસ્ટી પ્રકાશ વસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપસ્વી મુનિની પ્રેરણાથી અમે સમસ્ત વિશ્વમાં વસતા જૈનોને ૨૧થી ૨૯ નવેમ્બર સુધીના ૯ દિવસ અને એ શક્ય ન હોય તો ઍટ લીસ્ટ ૨૯ નવેમ્બરના એક દિવસ આયંબિલનું તપ કરવાની હાકલ કરી હતી. આચાર્ય હેમવલ્લભસૂરિ મહારાજે જીવન પર્યંત અખંડ આયંબિલ તપ કરવાનો નિયમ લીધો છે. કોઈ અંગત સ્વાર્થ વિના ધર્મ, દેશ, વિશ્વના કલ્યાણરૂપે ૨૭ વર્ષથી આયંબિલ તપ કરતા આ તપસ્વી મુનિનાં ૧૦,૦૦૦ આયંબિલ પૂર્ણ થવાનાં હતાં એટલે અમે ૯૯૯૧થી ૯૯૯૯ સુધીના ૯ દિવસ આયંબિલ કરી દરેક જૈનધર્મીને પૂજ્યશ્રી સાથે તપોયાત્રામાં સમર્પણરૂપે જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. ફક્ત ૧ આયંબિલ કરવાની શક્તિ હોય તો મુનિના ૯૯૯૯મા આયંબિલના દિવસે એટલે કે ૨૯ નવેમ્બરે આયંબિલ કરવાનું સૂચન કર્યું હતું.’

વિશ્વના દેશના દરેક ખૂણે વસતા જૈનોએ એ સાદને ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે એમ કહેતાં દક્ષિણ ભારતના શહેર ગુંટુરના અમિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુનિયાભરના સંઘોએ અને થોડી સંસ્થાઓએ સ્વેચ્છાએ આ આહ્‍‍વાનને વ્યાપક કર્યું. કોઈ વિશેષ આયોજન કે પ્રમોશન વિના થયેલી એ હાકલ દુનિયાના દરેક જૈનને સ્પર્શી ગઈ, કારણ કે પૂજ્યશ્રીની સાદગી, સત્ત્વ અને સંકલ્પથી મોટા ભાગના જૈનો પરિચિત હતા. તેઓ કોઈ જ લાઇમલાઇટ કે પ્રદર્શન વિના વર્ષોથી મૂકપણે ગિરનાર તીર્થનો ઉત્કર્ષ કરી રહ્યા છે. જૈન ભાવિકો મુનિરાજનાં આ અથાગ કાર્યોથી પ્રભાવિત છે અને હવે તેઓ પ્રયત્નોની ઇમ્પૅક્ટ પણ જોઈ રહ્યા છે.’

પ્રકાશ વસાએ કહ્યું હતું કે ‘આ કોઈ ઑફિશ્યલી ડિક્લેરેશન નથી, પરંતુ આજનો દિવસ દુનિયાભરના જૈનો વર્લ્ડ આયંબિલ ડે તરીકે ઊજવશે. જોકે હેમવલ્લભસૂરિ મહારાજસાહેબ માટે તો આજનો દિવસ પણ અન્ય સામાન્ય દિવસ જેવો જ છે. હમણાં તેમની નિશ્રામાં શંખેશ્વરથી ગિરનાર તીર્થનો છ’રીપાલિત સંઘ ચાલી રહ્યો છે એમાં અમે તેમની સાથે છીએ અને જોગાનુજોગ આજે આખો સંઘ તેમની જન્મભૂમિ વઢવાણમાં છે. અમે અનેક પ્રયત્નો કર્યા કે આજના વિશિષ્ટ દિવસની ઉજવણી કરીએ, અનુમોદનારૂપે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન કરીએ, સંઘની પણ ખૂબ વિનંતી હતી, પણ આ ભીષ્મતપના તપસ્વીએ મનાઈ કરી. તેમને પ્રસિદ્ધિ જરાય નથી ગમતી.’

આ મહાત્મા તો બસ પોતાની સાધનામાં, તીર્થ, સંઘરક્ષાનાં કાર્યોમાં મસ્ત છે અને વ્યસ્ત છે. ૬૨ વર્ષની ઉંમર હોવા સાથે લાંબા કાળથી તપ હોવા છતાં પોતાનાં તમામ કાર્યો પોતે કરે છે. થોડા સમય સુધી તો તેઓ દરરોજ પોતાની ગોચરી વહોરવા જતા અને હજી પણ ક્યારેક નીકળે છે. આયંબિલમાં ફક્ત પાંચ જ વસ્તુઓ આરોગે છે અને એમાંય આયંબિલ ખાતા-કરતા લોકોના ઘરે જઈ નિર્દોષ ગોચરી વહોરવાનો આગ્રહ રાખે છે. આવા દીર્ઘ તપસ્વી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબના સંકલ્પો તેમ જ આજીવન આયંબિલ આરાધના નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે આજે એક લાખથી વધુ ભક્તો આયંબિલ કરશે.

દક્ષિણી રાજ્યોના ભાવિકો પણ જોડાશે
આચાર્ય શ્રી હેમવલ્લભસૂરિ મહારાજસાહેબના નિકટવર્તી શ્રાવક અમિત જૈને કહ્યું હતું કે ‘ઉત્તર ભારતમાં પંજાબ, દિલ્હી, રાજસ્થાનનાં વિવિધ ગામોના સંઘો, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનાં જે-જે ગામડાંઓમાં જૈનોની વસ્તી છે ત્યાંથી અમને મેસેજ આવી રહ્યા છે કે તેમના સંઘોમાં ૯ આયંબિલની યાત્રામાં અનેક ભાવિકો જોડાયા છે તેમ જ આજના દિવસ માટે ઘણા લોકોએ પોતાનાં નામ લખાવ્યાં છે. ગુજરાત અને મુંબઈના સંઘોમાં તો તપસ્વીઓની સંખ્યા હજારોમાં હોય; પરંતુ આંધ્ર પ્રદેશ, તેલંગણ, કર્ણાટક, તામિલનાડુનાં વિવિધ શહેરોમાંથી સુધ્ધાં ૨૦થી ૨૫ હજાર આયંબિલ થશે. હેમવલ્લભસૂરિ મહારાજસાહેબ ક્યારેય આ વિસ્તારમાં પધાર્યા નથી છતાં આ દક્ષિણી રાજ્યોના જૈન ભાવિકોએ ગિરનારની યાત્રા દરમ્યાન તેમનું ડેડિકેશન જોયું છે અને તેમની ગુરુભક્તિ જોઈ છે એટલે અમને ખાતરી છે કે આજે જૈન તવારીખમાં નવો રેકૉર્ડ થશે.’

આ તપકથામાં ક્યારેય પૂર્ણવિરામ નહીં આવે

દરેક તપનો એક અંતિમ દિવસ હોય, પારણું થાય; પણ મૂળ વઢવાણ અને મુંબઈના ઘાટકોપરના વતની પૂજ્ય હેમવલ્લભસૂરિ મહારાજસાહેબના તપનો લાસ્ટ ડે ક્યારેય નથી હોતો કે નથી ક્યારેય પારણું હોતું. ૧૯૯૭ની ૧૬ જુલાઈથી તેમણે વડીલ આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના આયંબિલ તપનો વારસો અવિરત રહે એ માટે સંઘ-એકતાના સંકલ્પ સાથે આયંબિલ આદર્યાં છે અને એ તપોયાત્રા આમરણ ચાલતી રાખવાની ભીષ્મપ્રતિજ્ઞા તેમણે લીધી છે.

આજે સંઘ એકતા અર્થે આયંબિલનો ભેખ ધરનાર હરેશને બાળપણમાં ભગવાનની પૂજા સિવાય વિશેષ ધર્મ-રુચિ નહોતી અને સ્કૂલ-કૉલેજમાં ભણવામાં એય છૂટી ગઈ. એવા સમયે ઉંમરના બે દાયકા બાદ ભરયૌવનવયે ચંદ્રશેખરવિજય મહારાજસાહેબનાં પ્રવચનોમાં જવાનું થયું. પૂજ્ય ગુરુદેવની ધર્મરક્ષા, તીર્થરક્ષા, સંઘ-એકતા વિશેનાં વ્યાખ્યાનો સાંભળીને હરેશને ભગવાન પ્રત્યે લાગણી વધી અને શિબિર અટેન્ડ કરતાં સંયમજીવનની મહત્તા સમજાઈ, પરંતુ ધાર્મિક જ્ઞાન બહુ ચડતું ન હોવાથી ‘હું દીક્ષા કઈ રીતે લઉં? સૂત્રો યાદ નહીં રહે તો?’ એવા વિચારોમાં સંયમમાર્ગે જતાં અચકાતો હતો. પુન્યયોગે ગુરુદેવનો વધુ પરિચય થયો અને તેમને હરેશનું ડેડિકેશન અને દૃઢ સમર્પણભાવ એવો ગમી ગયો કે હરેશને દીક્ષા આપીને તપસ્વી ધર્મરક્ષિત વિજય મહારાજસાહેબના શિષ્ય બનાવ્યા.

ચારિત્ર અંગીકાર કર્યા પછી પંન્યાસ ચંદ્રશેખરવિજય મહારાજના કહેવાથી મુનિ હેમવલ્લભ પોતાના ગુરુ સાથે જૈફ આચાર્ય હિમાંશુસૂરિ મહારાજની વૈયાવચ્ચ અર્થે તેમની સાથે રહ્યા. એ સહેવાસ દરમ્યાન તેમને ગિરનાર તીર્થનો વિસ્તૃત પરિચય થયો અને આચાર્ય હિમાંશુસૂરિના માર્ગદર્શન તથા ગુરુ ધર્મરક્ષિતસૂરિ સાથે તેઓ લાગી ગયા ગિરનાર ઉદ્ધારણના કાર્યમાં. ધર્મરક્ષિત મહારાજ ભક્તોને પ્રવચન દ્વારા ગિરનારની લગની લગાડે અને હેમવલ્લભવિજય ગિરનાર પહાડ પર આવેલા વીસરાઈ ગયેલાં દેરાસરો, કલ્યાણક ભૂમિને ચેતનવંતી કરે.

તીર્થ ઉત્કર્ષ સાથે જ હિમાંશુસૂરિ મહારાજની વૈયાવચ્ચ તો ખરી જ તથા એકાસણાં, આયંબિલની ઓળીઓ, ઉપવાસની તપસ્યા પણ ખરી. ગુરુમહારાજ સાથે સમસ્ત સાધુસમુદાય પણ હેમવલ્લભવિજયના વૈયાવચ્ચ તેમ જ આજ્ઞાપાલનના ગુણના અનુરાગી હતા. નાદુરસ્ત તબિયત થતાં હિમાંશુસૂરિ મહારાજે જ્યારે પોતાના અવિરત આયંબિલ તપની ધુરા હેમવલ્લભને સોંપી ત્યારે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના તેમણે ગુરુઆજ્ઞાને તહત્તિ કરીને આયંબિલ સાધના શરૂ કરી જે આજે પણ અવિરત ચાલે છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલશે.

જો આંકડાની દૃષ્ટિએ જોઈએ તો દીક્ષા લીધા પછી તેમણે ૨૫૦ એકાસણાં, ૧૭૦૦થી વધુ ઉપવાસ, ૧૧,૦૦૦થી વધુ આયંબિલ કર્યાં છે અને આ આયંબિલને વર્ધમાન તપની ઓળી પ્રમાણે કાઉન્ટ કરીએ તો તેમની ૧૦૦+૧૦૦+૬૪ ઓળી પૂર્ણ થઈ છે. પૂજ્ય હિમાંશુસૂરિ મહારાજસાહેબે પણ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૧,૫૦૦ આયંબિલ અને ૩૦૦૦થી વધુ ઉપવાસ કર્યા છે અને હેમવલ્લભસૂરિ મહારાજસાહેબના ગુરુ આચાર્ય ધર્મરક્ષિતસૂરિ મહારાજસાહેબે પણ ૧૦૦+૧૦૦+૩૬ આયંબિલની ઓળી કરી છે. હેમવલ્લભસૂરિ મહારાજસાહેબ ઘણાં વર્ષો ગિરનાર તીર્થમાં રહ્યા છે. અહીં હોય એટલે અચૂક જાત્રા કરવાની અને નેમિનાથ ભગવાનનાં દર્શન કર્યા બાદ જ આયંબિલ કરવાનું. એ નિયમથી તેમની ૩૫૭૦થી વધુ યાત્રા થઈ છે અને આજે પણ તેઓ ગિરનાર હોય ત્યારે ગિરિરાજની જાત્રા કરે છે.

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news kutchi community