તાતા ઇન્સ્ટિટ્યૂટ આ‍ૅફ સોશ્યલ સાયન્સિસનો ચોંકાવનારો રિપોર્ટ- ૨૦૫૧માં મુંબઈમાં હિન્દુઓની વસ્તી માત્ર ૫૪ ટકા હશે

10 November, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુઓની વસ્તી ઘટશે, પણ લાખો ગેરકાયદે બંગલાદેશી-રોહિંગ્યા મુસ્લિમોને કારણે મુસ્લિમોની વસ્તી ૧૦ ટકા વધીને ૩૦ ટકા થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ (TISS)ના રિપોર્ટથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં અચાનક રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે મુંબઈમાં ૬૬ ટકા હિન્દુ અને ૨૦ ટકા મુસ્લિમોની વસ્તી છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં લાખો બંગલાદેશી અને રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદે મુંબઈમાં આવ્યા છે અને એમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે ૨૦૫૧ સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તીમાં ૧૨ ટકાનો ઘટાડો થશે તો એની સામે મુસ્લિમોની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થવાનો અંદાજ છે. એટલે કે ૨૦૫૧ સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તી ૫૪ ટકા અને મુસ્લિમોની વસ્તી ૩૦ ટકા થઈ જશે.

TISSના રિપોર્ટ મુજબ ૧૯૬૧માં મુંબઈમાં ૮૮ ટકા હિન્દુ હતા, જે ૨૦૧૧માં ઘટીને ૬૬ ટકા થઈ ગયા હતા. ૨૦૧૧ પછી વસ્તીગણતરી નથી થઈ એટલે અત્યારે પણ આટલા ટકા જ હિન્દુઓ મુંબઈમાં હોવાનું અનુમાન છે. ૧૯૬૧માં મુંબઈમાં ૮ ટકા મુસ્લિમ હતા, જે ૨૦૧૧માં વધીને ૨૦ ટકા થઈ ગયા હતા.

મુંબઈના સ્લમમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે વિદેશી મુસલમાનો આવી રહ્યા છે, જેને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ પ્રેશર છે. ગોવંડી, માનખુર્દ, ધારાવી, કુર્લા અને માલવણી જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી મુસ્લિમો આવીને રહે છે. એને કારણે આ વિસ્તારોમાં આર્થિક અસમાનતા ઊભી થઈ છે જેને લીધે સામાજિક તનાવ અને હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈમાં મહિલાઓની પણ મોટા પાયે તસ્કરી કરવામાં આવતી હોવાનું રિપોર્ટમાં જણાયું છે. 

mumbai news mumbai tata hinduism mumbai weather