23 October, 2024 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલવાન હિન્દ કેસરી અને તેમના સમર્થકો અજિત પવાર સાથે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદથી રાજકીય પક્ષોમાં રાજીનામાં અને પક્ષપ્રવેશની સીઝન ખીલી છે. કેટલાક નેતા અને વિધાનસભ્યો અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) છોડીને જઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે હિન્દ કેસરી અને મહારાષ્ટ્ર કેસરી પહેલવાન દીનાનાથ સિંહે અજિત પવારની હાજરીમાં NCPમાં પ્રવેશ કર્યો હતો અને ફિલ્મ ‘પૈલવાન’નું ગીત લૉન્ચ કરવામાં આવ્યું હતું. અજિત પવારે આ સમયે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘પૈલવાન’થી મહારાષ્ટ્રની પારંપરિક કુસ્તી-સંસ્કૃતિ વિશ્વસ્તરે પહોંચવામાં મદદ થશે.’
ઉલ્લેખનીય છે કે દીનાનાથ સિંહના પ્રવેશથી અજિત પવારની તાકાતમાં કેટલેક અંશે વધારો થઈ શકે છે. જોકે હિન્દ કેસરી વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ અથવા તેમને ક્યાંથી ઉમેદવારી આપવામાં આવશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.