રાજ્યમાં મુંબઈમાંથી સૌથી વધારે મહિલાઓ થઈ ગુમ

17 May, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે પહેલાં ત્રણ મહિનામાં ૩૫૯૪ મહિલાઓ ગુમ થઈ હતી એમાંથી મુંબઈની ૩૮૩ છે

રાજ્ય મહિલા આયોગનાં સભ્ય સુપ્રદા ફાતરપેકર અને ઍડ‍્વોકેટ ગૌરી છાબરિયા આયોગનાં ચૅરપર્સન રૂપાલી ચાકણકર અને સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ (વિમેન ઍન્ડ ચાઇલ્ડ ક્રાઇમ પ્રિવેન્શન) દીપક પાંડે સાથે પ્રેસ કૉન્ફરન્સમાં (તસવીર : નિમેશ દવે)

મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર વુમનનાં અધ્યક્ષ રૂપાલી ચાકણકરે રાજ્યના ગૃહવિભાગને રાજ્યમાંથી ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે એક પૅનલ બનાવવા તથા એ અંગેનો રિપોર્ટ પંદર દિવસની અંદર સબમિટ કરવા જણાવ્યું છે.

આ વર્ષે પહેલી જાન્યુઆરીથી ૩૧ માર્ચની વચ્ચે ૩૫૯૪ મહિલાઓ ગુમ થઈ હતી અને એમાંથી અમુકને શોધી કાઢવામાં આવી હતી. જોકે ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધુ મુંબઈમાંથી ૩૮૩ મહિલા અથવા તો છોકરીઓ ગુમ થઈ છે. રૂપાલી ચાકણકરે સોમવારે જણાવ્યું હતું કે ‘મહિલાઓ અને છોકરીઓ ગુમ થવી એ ગંભીર બાબત છે. એક પણ પોલીસ અધિકારી ગુમ થયેલી મહિલાઓ માટે હાલની સર્ચ કમિટીનો ભાગ નથી. ભરોસા સેલ અને મિસિંગ સેલ માત્ર કાગળ પર જ છે. ગુમ થયેલી મહિલાઓ ૧૬થી ૩૫ વર્ષની વચ્ચેની છે. પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાંથી ૮૨ પરિવારની મહિલાઓ વિદેશ ચાલી ગઈ છે અને હવે તેમનો પત્તો નથી મળી રહ્યો. મહિલાઓને ફોસલાવીને વિદેશ મોકલવા માટે મુંબઈના સાકીનાકા વિસ્તારના બે એજન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. જોકે આ કાર્ટેલ બહુ મોટી છે અને મજબૂત કાર્યવાહીની જરૂર છે.’

mumbai mumbai news maharashtra mumbai police