01 May, 2024 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય - મિડ-ડે
High tide Alert: દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય રહેવાનો છે, એવી આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD)એ કરી હતી. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં ચોમાસાની ઋતુ રહે છે, જેથી ચોમાસાની શરૂઆતમાં મુંબઈને લગતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં તોફાન અને વાવાઝોડું સર્જાય છે, પરંતુ આ વર્ષે વરસાદ સાથે મોટા પ્રમાણમાં વાવાઝોડું પણ આવશે એવો અંદાજ આઇએમડીએ વ્યક્ત કયો છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળવાનો છે.
મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા મંગળવારે મુંબઈમાં ચોમાસા દરમિયાન હાઇટાઈડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં ચોમાસાના સમયગાળામાં અરબ સાગરમાં 4.84 મીટર કરતાં વધુ ઊંચાઈએ મોજા ઊછળી શકે છે અને 22 વખત હાઇટાઈડ થવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર 2024 સુધી દરિયામાં આ પ્રકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. હાઇટાઈડને (High tide Alert) લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, તેમ જ ભારે વરસાદને સાથે દરિયામાં એક કરતાં વધુ વખત તોફાન પણ સર્જાઈ શકે છે.
જૂન મહિનામાં ચોમાસાની શરૂઆતના સાત દિવસોમાં 4.5 મીટર કરતાં વધુ હાઇટાઈટ આવશે. તે પછી જુલાઇના ચાર દિવસ, ઑગસ્ટના પાંચ દિવસ અને સપ્ટેમ્બરના છ દિવસમાં હાઇટાઈડની પરિસ્થિતિ નિર્માણ થવાની છે. એક અહેવાલ મુજબ 20 સપ્ટેમ્બરે સવારે 1.03 વાગ્યાની આસપાસ અરબ સાગરમાં 4.84 મીટર સુધી હાઇટાઈડ થઈ શકે છે, એવો અંદાજ આઇએમડીએ આપ્યો હતો. આ વાવાઝોડા અને હાઇટાઈડને લીધે બીએમસીએ નાગરિકોને વરસાદમાં દરિયાકિનારા પર જવાની મનાઈ કરવાની સાથે સુરક્ષા ગાઈડલાઇન્સનું પાલન કરવાનો પણ આદેશ આપ્યો છે.
જોકે હવે એપ્રિલ મહિનો પૂર્ણ થઈ ગયો છે તેમ જ મે મહિનામાં પણ ક-મોસમી વરસાદ કે કોઈપણ પ્રકારના વાવાઝોડાની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી નથી. તેમ છતાં ગરમીને લીધે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતાં એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની શક્યતા સૌથી વધુ હોય છે.
અહેવાલ મુજબ એપ્રિલ 2019માં બંગાળની ખાડી પર નિર્માણ થયેલા `ફાની` વાવાઝોડાની અસર ભારતમાં પણ જોવા મળી હતી. ફાની એ એક CAT-V સમકક્ષ તોફાન હતું, જે 26 એપ્રિલ, 2019 ના રોજ નિર્માણ થયું હતું. આ તોફાન 3 મેના રોજ ઓડિશા નજીકના દરિયાકાંઠે અથડાયું હતું. ગયા વર્ષની વાત કરીયે તો જૂન 2023માં અરબી સમુદ્રમાં `બિપરજોય` વાવાઝોડું આવ્યું હતું જે 16 જૂન 2023ના આસપાસ નલિયાને પાર કરીને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેમ જ ગયા વર્ષે બંગાળની ખાડીમાં પણ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન `મોચા’એ હાહાકાર મચાવ્યો હતો. બંગાળની ખડીમાં તોફાન કરીને તે મ્યાનમાર તરફ આગળ વધ્યું અને 14 મે 2023 ના રોજ સિત્તવે નજીકના દરિયાકાંઠાને પાર ગયું હતું.