18 November, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત ઠાકરે
મરાઠીમાં ન બોલવા બદલ લોકો પર હુમલો કરવાના આરોપસર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરતી અરજીનો જવાબ આપવા માટે બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકાર અને ચૂંટણીપંચને નિર્દેશ આપ્યો હતો.
ઍડ્વોકેટ ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ ઠાકરે અને MNSના કાર્યકરો વારંવાર બિનમરાઠીભાષી લોકો અને ખાસ કરીને ઉત્તર ભારતના લોકોને નિશાન બનાવી રહ્યા છે. અરજીમાં ચૂંટણીપંચ દ્વારા જરૂરી કાર્યવાહીની વિનંતી પણ કરવામાં આવી છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે રાજ્ય સરકાર અને ચૂંટણીપંચને ચાર અઠવાડિયાંમાં અરજી પર ઍફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ગેરકાયદે અનાવરણ કરવા બદલ અમિત ઠાકરે વિરુદ્ધ કેસ રવિવારે બપોરે નેરુળમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કવર હટાવવા બદલ પોલીસે MNSના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે અને અન્ય ૭૦ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપીઓ ગેરકાયદે રીતે ભેગા થયા, પરવાનગી વિના મોરચો કાઢ્યો, પોલીસ-કર્મચારીઓને ધક્કા માર્યા, કાયદેસરના આદેશનું ઉલ્લંઘન કર્યું અને પ્રતિમાની આસપાસની રક્ષણાત્મક જાળીને નુકસાન પહોંચાડ્યું હોવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. અમિત ઠાકરેએ કહ્યું હતું કે ચાર મહિના સુધી પ્રતિમા ઢંકાયેલી રહી, કારણ કે નેતાઓ કે અધિકારીઓ પાસે એનું ઉદ્ઘાટન કરવાનો સમય નથી એટલે ધૂળ ખાઈ રહેલી પ્રતિમાનું મેં અનાવરણ કર્યું હતું.