20 June, 2024 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐતિહાસિક ઘોડબંદર કિલ્લામાં શિવના સમયનું ભોયરું જોવા મળ્યું છે
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ વિસ્તારમાં મીરા રોડમાં આવેલા અને છત્રપતિ શિવાજી મહારાજના સ્પર્શથી પવિત્ર બનેલા ઐતિહાસિક ઘોડબંદર કિલ્લાના સંરક્ષણ અને સુશોભીકરણનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે પ્રવેશદ્વારના થાંભલા માટે ખોદકામ ચાલી રહ્યું છે. એ વખતે એ જગ્યાએ એક ભોંયરું અને અન્ડરગ્રાઉન્ડ રસ્તો જોવા મળ્યાં હોવાની પુરાતત્ત્વ વિભાગને જાણ કરવામાં આવી છે. આવતી કાલે પુરાતત્ત્વ વિભાગની ટીમ નિરીક્ષણ કરવા આવશે અને ત્યાર બાદ જ આ વિશે સત્તાવાર માહિતી મળી શકે એમ છે.
મીરા રોડ પર ઘોડબંદર ખાતે શિવના સમયના ઘોડબંદર કિલ્લાના રિનોવેશન અને બ્યુટિફિકેશન માટે ૨૦૧૯માં કિલ્લાના પરિસરની ૭.૬૮ હેક્ટર જમીન પુરાતત્ત્વ વિભાગથી મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનને ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઘોડબંદર કિલ્લાના રિનોવેશન અને બ્યુટિફિકેશન કામ માટે ફેબ્રુઆરી ૨૦૨૦ની મહાસભાએ મંજૂરી આપી અને ૫,૪૭,૦૫,૫૩૩ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. એમાંથી ૫૦ લાખ રૂપિયા કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર માટે રાખવામાં આવ્યા હતા. એથી કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારના કામ માટે ખોદકામ શરૂ થયું હતું. એ દરમ્યાન અસામાન્ય દીવાલ સાથેનું ભોંયરું મળી આવ્યું હતું. ત્યારે સ્થાનિક ગ્રામજનોએ અનુમાન કર્યું હતું કે ત્યાં અન્ડરગ્રાઉન્ડ રસ્તો છે અને શક્ય છે કે આ ભોંયરું સીધું વસઈ કિલ્લા તરફ જતું હોઈ શકે છે. આ અંગે પુરાતત્ત્વ વિભાગને જાણ કરવામાં આવી છે અને આવતી કાલે પુરાતત્ત્વ વિભાગની ટીમ નિરીક્ષણ માટે આવશે. ત્યાર બાદ જ એ વિશે વધુ માહિતી મળી શકે એવી શક્યતા છે. મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ઘોડબંદર ગામના પ્રવેશ પર છત્રપતિ શિવાજી મહારાજની ૩૦ ફુટ ઊંચી પ્રતિમા ઊભી કરવામાં આવી છે અને થોડા દિવસમાં એનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.