27 September, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને ગઈ કાલે પહોળું કરવામાં આવ્યું હતું. તસવીર: સૈયદ સમીર અબેદી
બુધવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદ વખતે ૪૫ ફીટની ગટરને પહોળું કરવાના ચાલી રહેલા કામને લીધે સેન્ટ્રલ રેલવે ત્રણ કલાક સુધી થંભી ગઈ હતી. ભાંડુપ અને નાહૂર રેલવે-સ્ટેશનની વચ્ચે આવેલા નાળાને પહોળું કરવાનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામને લીધે નાળાની પહોળાઈ ઓછી થઈ ગઈ છે એટલે વરસાદના પાણીનો નિકાલ નહોતો થઈ શક્યો. આથી ટ્રૅક પર વરસાદનું પાણી ભરાઈ ગયું હતું અને ટ્રેનો અટકી પડવાથી ઘરે જવા નીકળેલા હજારો મુંબઈગરાઓ રઝળી પડ્યા હતા. બહારગામની ૩૫ ટ્રેનોને પણ આને લીધે અસર થઈ હતી.
ભાંડુપ અને નાહૂર સ્ટેશનની વચ્ચે ચોમાસામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થાય છે એટલે અહીંના ૪૫ ફીટ પહોળા નાળાની પહોળાઈ ૯૦ ફીટ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સેન્ટ્રલ રેલવેના છ ટ્રૅકની નીચેનાં નાળાંઓમાં આસપાસ ચાલી રહેલા કામને લીધે કચરો અને માટી ભરાઈ જતાં ચોક-અપ થઈ ગયાં છે. આથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે.
આ ચોમાસામાં જુલાઈ મહિનામાં આ જગ્યાએ જ પાણી ભરાઈ ગયાં હતાં. આથી રેલવે અને BMCના અધિકારીઓની કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે આ સમસ્યા વિશે અત્યાર સુધી કામ આગળ નથી વધ્યું. રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ભાંડુપમાં પાણીનો નિકાલ કરવા માટે ચાર પમ્પ મૂકવામાં આવ્યા હતા. જોકે બુધવારે રાત્રે અહીં એટલું બધું પાણી હતું કે એને પમ્પથી પાણી કાઢવાનું કામ નહોતું થઈ શક્યું.
સેન્ટ્રલ રેલવે શું કહે છે?
પગલાં લેવામાં આવી રહ્યાં છે
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘ચોમાસામાં રેલવે વ્યવસ્થિત રીતે ચાલે એ માટે મહત્તમ ક્ષમતાથી દરેક વિભાગમાં કામ કરવામાં આવી રહ્યું છે. કલાકમાં ૧૦૦ મિલીમીટર જેટલો વરસાદ થાય તો પણ સેન્ટ્રલ રેલવે વ્યવસ્થિત રીતે ચાલી શકે છે. જોકે આનાથી વધુ વરસાદ પડે ત્યારે ટ્રૅક પર પાણી આવી જાય છે એટલે ટ્રેનોની અવરજવરને અસર થાય છે. બુધવારે રાત્રે એક કલાકમાં ૨૦૦ મિલીમીટર વરસાદ થયો હતો એટલે મેઇન લાઇનમાં કુર્લા-થાણે અને હાર્બર લાઇનમાં માનખુર્દ-વિક્રોલી વચ્ચે ટ્રેનો રોકી દેવામાં આવી હતી. વરસાદ ઓછો થયા બાદ ધીમે- ધીમે ટ્રેનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. રેલવે દ્વારા ફરી આવી સમસ્યા ન થાય એ માટેનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.’
વેસ્ટર્ન રેલવે સાથે સરખામણી ન કરી શકાય
બુધવારે રાત્રે ભારે વરસાદ પડ્યો ત્યારે સેન્ટ્રલ રેલવેની ટ્રેનો બંધ થઈ ગઈ હતી, પણ વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનો અમુક મિનિટ મોડી પડવા સિવાયની કોઈ મુશ્કેલી નહોતી થઈ. આથી લોકો બન્ને રેલવેલાઇનની સરખામણી કરી રહ્યા છે. આ વિશે ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે ‘બન્ને લાઇનની સરખામણી ન થઈ શકે. સેન્ટ્રલ રેલવેની સિસ્ટમ નીચાણવાળા વિસ્તારમાંથી પસાર થાય છે અને આસપાસ મોટા પ્રમાણમાં સ્લમ આવેલી છે જેનું પાણી ટ્રૅક પર છોડવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેમાં આવી મુશ્કેલી નથી એટલે ટ્રેનવ્યવહારને મોટા ભાગે કોઈ સમસ્યા નડતી નથી.’