02 May, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
હાલ ચાલી રહેલી હીટવેવમાં માણસો તો ગરમીથી રાહત મેળવવા અનેક ઉપાય અજમાવી લે, પણ અબોલ પશુ-પક્ષીઓની હાલત કફોડી થઈ જાય છે અને ખાસ કરીને પક્ષીઓ પાણી માટે ટળવળતાં નજરે પડતાં હોય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મુંબઈના ૫૦૦ જેટલા બગીચાઓમાં પક્ષીઓ માટે પાણીનાં કૂંડાં ગોઠવવામાં આવ્યાં છે જેથી એમને પણ પાણી મળી શકે અને તેઓ હીટ-સ્ટ્રોકથી બચી શકે. આ બાબતે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઑફિસરે કહ્યું હતું કે ‘અમે ગરમી વધી રહી હોવાથી મુંબઈનાં ૫૦૦ જેટલાં ગાર્ડન્સમાં આ વ્યવસ્થા કરી છે. મોટું ગાર્ડન હોય તો એમાં બેથી ત્રણ અને નાનું હોય તો પણ ઍટ લીસ્ટ બે કૂંડાં પાણીનાં ભરેલાં રાખીશું. ગાર્ડનની સંભાળ લેતા માળીને આ બાબતે સૂચનાઓ આપી છે અને રોજ સવારે કૂંડાંમાં પાણી ભરવા કહેવાયું છે, દિવસ દરમ્યાન કૂંડું ખાલી થઈ જાય તો એ ફરી ભરી રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.’