ગુજરાત-મહારાષ્ટ્ર સહિત ૯ રાજ્યોમાં ૭ મે સુધી હીટવેવ

05 May, 2024 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હીટવેવ દરમ્યાન આ રાજ્યોમાં ૩૮થી ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહી શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય હવામાન વિભાગે આજથી ૭ મે સુધી હીટવેવની આગાહી કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને તામિલનાડુમાં ૬ મે એટલે કે આવતી કાલે કેટલાક ભાગોમાં હીટવેવની યલો અલર્ટ જારી કરવામાં આવી છે. હીટવેવ દરમ્યાન આ રાજ્યોમાં ૩૮થી ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહી શકે છે. હવામાન વિભાગે હીટવેવ વચ્ચે નૉર્થ ઈસ્ટના અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે.

કરિયાણાની દુકાનમાંથી ૪.૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

થાણે પોલીસની કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંબરનાથ તાલુકાના નેવાળી ગામમાં આવેલી ગાયત્રી નામની કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ડ્રગ્સનું વેચાણ થતું હોવાની‌ બાતમીને આધારે ગઈ કાલે કાર્યવાહી કરી હતી, જેમાં આ દુકાનમાંથી ૪,૫૨,૨૯,૦૦૦ રૂપિયાની કિંમતનું ત્રણ કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી પોલીસે નશીલા પદાર્થનો સંગ્રહ કરવાની સાથે હેરાફેરી કરવાના આરોપસર દુકાનમાલિક રાજેશ કુમાર તિવારીની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે કરિયાણાની દુકાનમાં ડ્રગ્સ ફરાર થઈ ગયેલા શૈલેન્દ્ર અહિરવારે સપ્લાય કર્યું હોવાનું દુકાનમાલિક આરોપીની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું.

૭૫,૬૪,૨૦૦ રૂપિયાનો ૪૫ હજાર બૉટલ દારૂ જપ્ત

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં દારૂનું વેચાણ કરવા માટે જળગાવમાં દારૂ બનાવવાની ગેરકાયદે ફૅક્ટરી ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ રાજ્યના એક્સાઇઝ વિભાગે અહીં શુક્રવારે મોડી રાત્રે બે વાગ્યે દરોડો પાડીને ૭૫,૫૪,૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરીને પાંચ જણની ધરપકડ કરી હતી. ઠંડાં પીણાં બનાવતી કંપનીમાં આ દારૂ બનાવવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. ફૅક્ટરીમાંથી દારૂ ભરેલી ૪૫ હજાર બૉટલ મળી આવી હતી.

બિહારના ઉમેદવાર ફૉર્મ ભરવા ગધેડા પર બેસીને કેમ ગયા હશે?

બિહારની ગોપાલગંજ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર સત્યેન્દ્ર બૈઠાએ શનિવારે પોતાના ગણ્યાગાંઠ્યા ટેકેદારો સાથે ફૉર્મ ભર્યું હતું. રસપ્રદ વાત એ હતી કે સત્યેન્દ્રભાઈ ગધેડા પર બેસીને ફૉર્મ ભરવા માટે કલેક્ટર ઑફિસ પહોંચ્યા હતા. તેમનું કહેવું છે કે છેલ્લાં ૩૦-૪૦ વર્ષમાં એક પણ નેતાએ કોઈ કામ કર્યું નથી, તેમણે બસ પોતાનાં ખિસ્સાં ભરીને જનતાને ગધેડો બનાવી છે 
એટલે મેં આ રીતે ઉમેદવારી નોંધાવી છે.

mumbai news mumbai gujarat news indian meteorological department Weather Update