દાદરના બ્રિજ પરના ફેરિયાએ હદ વટાવી

23 October, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રિજ પર ધંધો લગાવવા ન દીધો એટલે પોલીસ-સ્ટેશનમાં આવીને અધિકારીઓને અપશબ્દો બોલ્યો અને તેમને ફસાવવા માટે પોતાનો હાથ બ્લેડથી કાપી નાખ્યો

પ્રતીકાત્મક તસવીર

દાદર સ્ટેશન પરના ફુટ ઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓ વિરુદ્ધ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઍક્શન લેવામાં આવતાં મુનીર અન્સારી નામનો ફેરિયો સોમવારે સાંજે દાદર RPFની ચોકીમાં આવીને સિનિયર અધિકારીઓને અપશબ્દો બોલ્યો હતો એટલું જ નહીં, મુનીરને શાંત કરવાની કોશિશ કરી રહેલા અધિકારીઓને ફસાવવાના ઇરાદાથી તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી પોતાના પર જ હુમલો કર્યો હતો જેને કારણે પોલીસ-સ્ટેશનમાં લોહી-લોહી થઈ ગયું હતું. અંતે ઇલાજ માટે તાત્કાલિક મુનીરને સાયન હૉસ્પિટલમાં ખસેડીને તેની સામે દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફરિયાદ નોંધી છે.

મુસાફરોની ઘણી ફરિયાદ ફુટ ઓવર બ્રિજ પર બેસતા ફેરિયાઓને લઈને અમારી પાસે આવી હતી, જેના ભાગરૂપે અમે ઍક્શન લઈ અમુક ફેરિયાઓ પર કેસ રજિસ્ટર કરીને તેમનો માલ જપ્ત કર્યો હતો એમ જણાવતાં દાદર RPFના સિનિયર ઇન્સ્પેક્ટર બાબાસાહેબ નેટકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે મુસાફરોને અવરોધરૂપ થતા ફેરિયાઓ પર અમારી ટીમે અને GRPએ જૉઇન્ટ ઍક્શન લીધી હતી. એ દરમ્યાન સોમવાર સાંજે મુનીર અન્સારી નામનો ફેરિયો અમારી ચોકી પર આવ્યો હતો. તેણે મહિલા અધિકારીઓ ઉપરાંત મારી સામે આવીને ગંદી-ગદી ગાળો આપી હતી અને કેમ કાર્યવાહી કરી રહ્યા છો એવો સવાલ પૂછ્યો હતો. એની સાથે જ તેણે કમ્પ્યુટર-રૂમમાં તોડફોડ કરવાની કોશિશ કરી હતી. તેને અટકાવવા જતાં તેણે પોતાના હાથ અને પેટ પર બ્લેડ મારીને આખી ચોકીમાં લોહી-લોહી કરી દીધું હતું. ત્યાર બાદ અમે તેને તાત્કાલિક ઇલાજ માટે સાયન હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.’

આરોપીનો હાલમાં સાયન હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે એટલે ત્યાંથી બહાર આવ્યા બાદ અમે તેની ધરપકડ કરીશું એમ જણાવતાં દાદર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે સરકારી કામમાં બાધા ઊભી કરવા માટેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai police mumbai dadar Crime News mumbai crime news