12 April, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ હાઇકોર્ટની તસવીર
બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર સરકારને ૨૪ અઠવાડિયાં પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાને લઈને હૉસ્પિટલો માટે સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ઘડવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ નીતિન સાંબ્રેની ડિવિઝન બેન્ચે પાંચમી એપ્રિલના આદેશમાં જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમમાં સુધારા મુજબ ગર્ભ ગંભીર રીતે ઍબ્નૉર્મલ હોય તો ૨૪ અઠવાડિયાં પછી ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે. અધિનિયમની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ બોર્ડની રચના કરવાની હોય છે જેની પાસે ૨૪ અઠવાડિયાંથી વધુ સમયની પ્રેગ્નન્સીના ટર્મિનેશનને મંજૂર કે નામંજૂર કરવાની સત્તા હોય છે. આ માટે હકદાર મહિલાઓને કોર્ટ જવાની જરૂર નથી. એક મહિલાએ ઍબ્નૉર્મલ ગર્ભને કારણે ૩૨ અઠવાડિયાંની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે અરજી કરી હતી. બેન્ચે મહિલાને રાહત આપતાં જણાવ્યું હતું કે હૉસ્પિટલે મહિલાને મેડિકલ બોર્ડને બદલે કોર્ટમાં જવા કહ્યું એ આઘાતજનક છે. કોર્ટે રાજ્ય સરકારને બે મહિનામાં SOP તૈયાર કરીને નોટિફિકેશન જાહેર કરવા જણાવ્યું હતું.