02 August, 2023 09:20 AM IST | Gurugram/Chandigarh | Gujarati Mid-day Correspondent
ગુરુગ્રામના સેક્ટર-૬૭ના એરિયામાં ગઈ કાલે તોફાનીઓએ સળગાવી દીધેલી દુકાનને જોઈ રહેલો વર્કર (તસવીર : પી.ટી.આઇ.)
હરિયાણાના નૂંહમાં સાંપ્રદાયિક હિંસાની આગ ગઈ કાલે બીજા વિસ્તારોમાં પણ ફેલાઈ હતી.
નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રાને અટકાવવાની કોશિશને લઈને આ હિંસા ફાટી નીકળી હતી. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં એક મસ્જિદ પર ટોળાએ હુમલો કર્યો હતો અને એના ઇમામની હત્યા કરી હતી. આ સાથે જ આ હિંસામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પાંચ પર પહોંચી હતી.
હરિયાણા પોલીસે સોમવારથી નૂંહ અને એની આસપાસના જિલ્લાઓમાં હિંસા સંબંધે ૪૪ એફઆઇઆર દાખલ કર્યા બાદ લગભગ ૭૦ જણને કસ્ટડીમાં લીધા છે. ૧૪૪ લાગુ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે ગઈ કાલે જણાવ્યું હતું કે તોફાનીઓ વિરુદ્ધ સ્ટ્રિક્ટ ઍક્શન લેવામાં આવશે.
ગુરુગ્રામના સેક્ટર-૫૭ના એરિયામાં ૨૬ વર્ષના ઇમામની હત્યા કરવામાં આવી હતી અને એક મસ્જિદને આગ ચાંપવામાં આવી હતી. ટોળાએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે જણને ઈજા થઈ હતી.
દરમ્યાન ગઈ કાલે ગુરુગ્રામના બાદશાહપુરમાં હિંસા ભડકી હતી. અહીંની મેઇન માર્કેટમાં લગભગ ૨૦૦ જણે ૧૪ દુકાનોમાં તોડફોડ કરી હતી. ગુરુગ્રામના સેક્ટર-૬૬ના એરિયામાં પણ ટોળાએ ૭ સ્ટોર્સને આગ ચાંપી હતી.
હરિયાણાને અડીને આવેલા દિલ્હી અને યુપીના જિલ્લાઓ અલર્ટ
હરિયાણાને અડીને આવેલા દિલ્હી અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓની પોલીસને ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા માટે જણાવવામાં આવ્યું છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પોલીસને સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ ગ્રુપ્સ પર પણ નજર રાખવા જણાવ્યું છે, કેમ કે શાંતિ ડહોળવા માટે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
અપરાધોનું હબ છે નૂંહ
દિલ્હીની આસપાસના વિસ્તારો વિકસિત છે, પરંતુ નૂંહ અપવાદ છે. સૌથી પછાત જિલ્લામાં એનો સમાવેશ થાય છે. ક્યારેક લૂંટારાઓને કારણે બદનામ આ જિલ્લામાં સાઇબર ક્રાઇમ ગૅન્ગ ઍક્ટિવ છે. આ વિસ્તાર હરિયાણા, રાજસ્થાન અને યુપી વચ્ચે આવે છે, જેને કારણે અપરાધીઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા રહે છે.
અનિલ વીજ, હરિયાણાના ગૃહપ્રધાન
આ માસ્ટરમાઇન્ડનો પ્લાન છે. જે રીતે હિંસા થઈ, પથ્થર કલેક્ટ કરાયા અને ગોળીબાર થયો એ જોતાં જણાય છે કે આ હિંસા અચાનક થઈ નથી, બલકે આ કોઈ માસ્ટરમાઇન્ડનો પ્લાન છે, જે હરિયાણા અને દેશની શાંતિને ડિસ્ટર્બ કરવા ઇચ્છે છે. જે કોઈ દોષી હશે તેમને બક્ષવામાં નહીં આવે.