01 August, 2024 01:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી પરેલ દરમ્યાન પાંચમી અને છઠ્ઠી લાઇન માટેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આથી હાર્બર લાઇનમાં ટ્રેનો સૅન્ડહર્સ્ટ રોડ સુધી દોડાવવાની શક્યતા છે એટલું જ નહીં, ફાસ્ટ લોકલ ટ્રેનોનું ભાયખલા સ્ટેશનનું સ્ટૉપ પણ રદ કરવામાં આવી શકે છે.
સેન્ટ્રલ રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-ટૂ (MUTP-2) અંતર્ગત CSMTથી કુર્લા વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન ૨૦૦૮માં મંજૂર કરવામાં આવી હતી. રેલવે-ટ્રૅક પાસેની જગ્યાની ઉપલબ્ધતા નથી એટલે CSMTથી પરેલ અને કુર્લાથી પરેલ એમ બે તબક્કામાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. આથી CSMTથી પરેલ દરમ્યાન પાંચમી-છઠ્ઠી લાઇનના કામની તૈયારી શરૂ કરવામાં આવી છે. CSMT પરિસરમાં જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને હાર્બર લોકલ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશને જ રોકવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આવી જ રીતે ભાયખલા સ્ટેશન પર પણ જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને ફાસ્ટ લોકલ માટેનાં પ્લૅટફૉર્મ તોડીને અહીં વધારાની રેલવેલાઇન નાખવામાં આવશે. આથી ભાયખલા સ્ટેશને ફાસ્ટ લોકલ આ કામ દરમ્યાન ઊભી રાખવામાં નહીં આવે.