આજથી મુંબઈ મેટ્રો પર 25 ટકા છૂટ, જાણો કોને મળશે ડિસ્કાઉન્ટ?

01 May, 2023 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

1 મે એ મહારાષ્ટ્ર દિવસ છે અને આ પ્રસંગે 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રો મુસાફરી પર છૂટછાટ આપવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં 1 મેથી 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને મેટ્રો ટિકિટના ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે. તેમને મેટ્રો ટિકિટ પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ શનિવારે આ માહિતી આપી હતી. આ ડિસ્કાઉન્ટ `નેશનલ કૉમન મોબિલિટી કાર્ડ` (National Common Mobility Card)ના હજારો ધારકોને પણ આપવામાં આવશે. તો `મુંબઈ વન` (Mumbai One) એટલે કે વર્સોવાથી ઘાટકોપર રૂટના પાસ પર 45થી 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

1 મે એ મહારાષ્ટ્ર દિવસ છે અને આ પ્રસંગે 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રો મુસાફરી પર છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન શિંદેએ કહ્યું હતું કે, “આ મહામુંબઈ મેટ્રો ઑપરેશન્સ કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) તરફથી મુંબઈગરાને ભેટ છે.”

આ સંદર્ભમાં વાત કરતાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “અમે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બાળકોની જરૂરિયાતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો નેટવર્કની રચના કરી છે. તેથી તેમને આ સુવિધાઓનો મહત્તમ લાભ મેળવવો જરૂરી છે. અમે અગાઉ વરિષ્ઠ નાગરિકો માટે એસટીની મુસાફરી મફત કરી છે. મહિલાઓને એસટી બસમાં પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ નિર્ણય સામાજિક ભાવનાથી લેવામાં આવ્યો છે.” મુખ્યપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આ રાહતને કારણે મેટ્રોમાં વધુ લોકો મુસાફરી કરી શકશે.

આ પણ વાંચો: મહાવિકાસ આઘાડી આજની વજ્રમુઠ સભામાં સરકારને કયા મુદ્દે ઘેરશે?

યોગ્ય દસ્તાવેજો બતાવવાના રહેશે

મેટ્રો 2A દહિસર પૂર્વ અને અંધેરી પશ્ચિમ વચ્ચે ડીએન નગરને જોડે છે, જ્યારે લાઈન 7 અંધેરી પૂર્વ અને દહિસર પૂર્વ વચ્ચે ચાલે છે. આ છૂટ મેળવવા માટે, વિકલાંગ વ્યક્તિઓએ તબીબી અથવા વિકલાંગતાના સરકારી પ્રમાણપત્ર જેવા માન્ય દસ્તાવેજો સબમિટ કરવા પડશે, જ્યારે વરિષ્ઠ નાગરિકોએ ઉંમરનો પુરાવો પ્રદાન કરવો પડશે. ડિસ્કાઉન્ટ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થીઓએ શાળાના આઈડી કાર્ડ સાથે તેમનું અથવા તેમના માતાપિતાનું પાન કાર્ડ બતાવવાનું રહેશે.

mumbai mumbai news mumbai metro eknath shinde maharashtra