અભી તો મૈં જવાન હૂં બતાવવાનું ભારે પડ્યું

29 April, 2023 09:20 AM IST  |  Mumbai | Mehul Jethva

કાંદિવલીમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનને મોબાઇલમાં એક મહિલાનો મેસેજ આવ્યો હતો, જેમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરીને તેની સાથે સંબંધ બાંધવાની વાતો કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : કાંદિવલીમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનને મોબાઇલમાં એક મહિલાનો મેસેજ આવ્યો હતો, જેમાં અજાણી મહિલા સાથે મિત્રતા કરીને તેની સાથે સંબંધ બાંધવાની વાતો કરવામાં આવી હતી. ત્યાર બાદ સિનિયર સિટિઝનને રજિટ્રેશનથી લઈને રૂમ બુક કરવા માટેનાં કારણો આપીને ૪.૪૨ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. એ પછી પણ વધુ પૈસા માગવામાં આવતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેમણે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પ્લેક્સ નજીક એક સોસાયટીમાં રહેતા અને એક મોટી કંપનીમાં અકાઉન્ટન્ટની પોસ્ટ પરથી રિટાયર થયેલા ૭૫ વર્ષના ચંદ્રેશ જોશી (નામ બદલ્યું છે)એ કરેલી ફરિયાદ અનુસાર નિવૃત્તિ સમયે મળેલા પૈસા પર તેમનું ઘર ચાલે છે. ૨૩ માર્ચે તેઓ ઘરે હતા એ સમયે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. એમાં યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવાની માહિતી આપવામાં આવી હતી. તેમણે એમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં સામેની યુવતીએ પોતાનું નામ શાલિની કહ્યું હતું. તેણે કહ્યું કે ‘તમને અમે યુવતીઓના ફોટો મોકલીશું. એમાં તમે સિલેક્ટ કરેલી યુવતી સાથે અમે તમારી ફ્રેન્ડશિપ કરાવીશું. તમે તેની સાથે વધુ સંબંધ બાંધી શકો છો. જોકે એ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એ માટે ૨,૧૦૦ રૂપિયા ભરવા પડશે.’ એટલે ચંદ્રેશ જોશીએ તરત પૈસા ભરી દીધા હતા. ત્યાર બાદ યુવતીઓના ફોટો મોકલવા માટે ૧,૨૦૦ રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું. એ પણ તેમણે તરત ભરી દીધા હતા. પછી યુવતી સાથે સંબંધ બાંધવા રૂમ બુક કરવા માટે ૩૧,૦૦૦ રૂપિયા ભરવા માટે કહેવામાં આવ્યું હતું. એમ ધીરે-ધીરે ૪.૪૨ લાખ રૂપિયા શાલિનીએ પડાવી લીધા હતા. એ પછી પણ વધુ પૈસા માગવામાં આવતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની તેમણે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં ચંદ્રેશ જોશી પાસે પૈસા પૂરા થઈ જતાં તેમણે મિત્ર પાસેથી પણ ૭૦,૦૦૦ રૂપિયા ઉછીના લીધા હતા.
સમતાનગર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદીએ નિવૃત્તિ સમયે મળેલા તમામ પૈસા સાઇબર ફ્રૉડમાં તેણે ગુમાવી દીધા હતા. આ કેસમાં સેક્સ્ટૉર્શન કરીને સાઇબર ગઠિયાએ સિનિયર સિટિઝનને ટાર્ગેટ કર્યા હતા.’

mumbai news kandivli mehul jethva