વૉટરફૉલ માણવા ગયેલી ગુજરાતી રીલ-સ્ટારનો આઘાતજનક અંત

18 July, 2024 06:49 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

માટુંગાની ૨૬ વર્ષની આન્વી કામદારનો રાયગડના કુંભે ધોધ પાસે પગ લપસ્યો, ૩૫૦ ફીટ નીચે પટકાયા બાદ છ કલાકે ગંભીર હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવી પણ પછી દમ તોડી દીધો : ઇન્સ્ટાગ્રામ પર ૨,૫૩,૦૦૦ ફૉલોઅર્સ

કુંભે વૉટરફૉલ અને એની પાસે મંગળવારે ૩‍૫૦ ફીટ નીચે પડેલી આન્વી કામદારને ખીણમાંથી ઉપર લઈ આવતી રેસ્કયુ ટીમ.

માટુંગામાં રહેતી ૨૬ વર્ષની ગુજરાતી રીલ-સ્ટાર, સોશ્યલ મીડિયાની ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર આન્વી કામદારે રાયગડના માણગાવમાં આવેલા કુંભે વૉટરફૉલ પાસે મંગળવારે ૩૫૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખીણમાંથી આન્વીને ગંભીર હાલતમાં ઉપર લાવવામાં છ કલાક જેટલો સમય લાગ્યો હતો. એ સમયે વરસાદ પણ ખૂબ પડી રહ્યો હતો. ગંભીર ઈજાને લીધે ઉપર લાવ્યા બાદ આન્વીએ દમ તોડી દીધો હોવાનું રાયગડની માણગાવ પોલીસે જણાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર આન્વીના ૨,૫૩,૦૦૦ જેટલા ફૉલોઅર્સ છે. 
પોલીસના જણાવ્યા મુજબ માટુંગા સેન્ટ્રલમાં રહેતી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ આન્વી તેના ૬ ફ્રેન્ડ્સ સાથે મંગળવારે વરસાદ એન્જૉય કરવા ગઈ હતી. માણગાવના કુંભે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પાસેના ધોધ પાસે બધા પહોંચ્યા હતા. પહાડની કૉર્નર પર તેઓ ચાલી રહ્યા હતા ત્યારે આન્વીનો પગ સ્લિપ થવાથી તે ૩૫૦ ફીટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

રેસ્ક્યુમાં છ કલાક લાગ્યા

માણગાવ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ સચિન સોનકાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારના ૧૧.૩૦ વાગ્યે કુંભે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પાસેના વૉટરફૉલમાં કોઈ પડી ગયું હોવાની અમને જાણ થયા બાદ તાત્કાલિક પોલીસની સામે એક રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. યુવતી જ્યાં પડી હતી ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગે એમ હતો એટલે બીજી રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. કોલાડ, માણગાવ, મહાડથી પ્રશિક્ષિત બચાવટીમોને બોલાવવામાં આવી હતી. બચાવટુકડીઓ દોરડાની મદદથી ખીણમાં ઊતરી હતી. આ સમયે આન્વી ગંભીર રીતે ઘાયલ જોવા મળી હતી. તેને દોરડાની મદદથી સ્ટ્રેચર પર ખેંચવામાં આવી હતી. ‍ઉપર લવાયા બાદ આન્વીને માણગાવની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાની તૈયારી ચાલુ હતા ત્યાં તેણે દમ તોડી દીધો હતો. તેની સાથેના ફ્રેન્ડ્સે કહ્યું હતું કે ચાલતી વખતે પગ લપસતાં આન્વી નીચે પડી ગઈ હતી. અમે અત્યારે આન્વીનો આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યાંથી આન્વી નીચે પડી હતી એ જગ્યા જોખમી છે અને આગળ ન જવાનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આમ છતાં લોકો રિસ્ક લઈને જાય છે.’

ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઈ હતી

માટુંગા સેન્ટ્રલમાં રામ આશ્રય રેસ્ટોરાંની બાજુમાં શ્રીરંગ બિલ્ડિંગમાં આન્વી તેની મમ્મી અને નાની બહેન સાથે રહેતી હતી. આન્વીના ક​ઝિન અનુજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આન્વી તેના ફ્રેન્ડ્સ સાથે સવારના રાયગડના માણગાવ પાસેના વૉટરફૉલ પર ગઈ હતી. તે રીલસ્ટાર હતી એટલે વૉટરફૉલ પાસે રીલ બનાવવા ગઈ હતી ત્યારે પડી ગઈ હોવાનું લોકો ભલે કહેતા હોય, હકીકત એ છે કે તે ફ્રેન્ડ્સ સાથે વરસાદ એન્જૉય કરવા ગઈ હતી. તેઓ વૉટરફૉલ પાસેના પહાડમાં કૉર્નર પર ચાલતા હતા ત્યારે આન્વીનો પગ ​સ્લિપ થઈ ગયો હતો. તેના પિતાનું પણ અવસાન થઈ ગયું છે એટલે આ ઘટનાથી તેની મમ્મીની હાલત કફોડી થઈ ગઈ છે.’

જીવ જોખમમાં ન મૂકો
આન્વીની ઘટના બાદ માણગાવ પોલીસ અને સ્થાનિક પ્રશાસને ચોમાસામાં અહીંની સહ્યાદ્રિ પર્વતમાળાની મજા માણવા આવનારા લોકોએ જીવ જોખમમાં મુકાય એવી જગ્યાએ ન જવું  એવી ચેતવણી જાહેર કરીને કહ્યું હતું કે જોખમ હોવાનું બોર્ડ મૂકવામાં આવ્યું હોય તો એને અવગણશો નહીં.

mumbai news mumbai monsoon news mumbai monsoon gujaratis of mumbai gujarati community news matunga raigad