દીકરીનાં લગ્ન માટે પીઠીની હળદર ખાંડતી વખતે મમ્મીને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો

21 January, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડનાં રેખા સોનાઘેલાના મૃત્યુને લીધે ગુરુવારે થનારાં પુત્રીનાં લગ્ન મુલતવી રાખવામાં આવ્યાં

દીકરીનાં લગ્નની તૈયારી કરતાં રેખાબહેન અચાનક જ સૌની સામે ઢળી પડ્યાં.

દીકરીનાં લગ્નનાં અમાપ ઓરતાં ધરાવતાં મમ્મી દીકરીનાં લગ્નની તૈયારીરૂપે રવિવારે સવારે લગ્નનાં ગીતો ગાતાં-ગાતાં પીઠી ચોળવાની હળદર ખાંડી રહ્યાં હતાં ત્યારે અચાનક જ તેમને હાર્ટ-અટૅક આવ્યો અને તેઓ સૌની સામે જ ઢળી પડ્યાં હતાં. તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં, પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં.  

મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૫૧ વર્ષનાં કચ્છી લોહાણા રેખા અરવિંદ સોનાઘેલાની એક દીકરીનાં લગ્ન થઈ ગયાં છે અને ગુરુવારે બીજી દીકરી રવીનાનાં લગ્ન લેવાયાં હતાં. જોકે તેમના નિધનને કારણે હવે એ લગ્ન મુલતવી રાખવામાં આવ્યાં છે. નવી મુંબઈની APMCમાં દલાલી કરતા તેમના પતિ અરવિંદભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દીકરીનાં લગ્ન હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ રાખ્યો હતો. સવારે ઘરમાં કુટુંબ અને સંબંધી મહિલાઓનો કાર્યક્રમ હતો. અમારા રિવાજ મુજબ તેઓ પીઠી માટે ખાયણી-દસ્તામાં હળદર ખાંડી રહ્યાં હતાં. મારી પત્ની રેખા પણ ખાંડતાં-ખાંડતાં ગીતો ગાઈ રહી હતી અને અચાનક જ ઢળી પડી હતી. હું તે વખતે કામસર બહાર ગયો હતો. પાડોશી અને સોસાયટીના યંગસ્ટર્સ તેને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પણ ડૉક્ટરોએ કહ્યું કે તે મૃત્યુ પામી છે. તેને હાર્ટ-અટૅક આવ્યો હતો. હવે આ બનાવ બનતાં દીકરીનાં લગ્ન મુલતવી રાખ્યાં છે.’

આમ જ્યાં શરણાઈના સૂર વાગવાના હતા ત્યાં મોતનો માતમ છવાઈ ગયો છે. 

mumbai news mumbai heart attack gujaratis of mumbai gujarati community news