ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ ઇમ્પેક્ટ: ‘મિડ-ડે’ના અહેવાલ બાદ આકુર્લી રોડ પરથી હટાવાયો કાટમાળ

08 December, 2023 09:53 PM IST  |  Mumbai | Karan Negandhi

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે (Gujarati Midday Dot Com Impact) જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યાંથી કાટમાળ હટાવ્યો હતો

પહેલાં અને પછીની તસવીર

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ૧૫ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ પબ્લિશ કરેલા અહેવાલમાં કાંદિવલી પૂર્વમાં આકુર્લી રોડ (Akurli Road) પર ટ્રાફિક જામની વધતી સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગ્રોવેલ્સ મૉલ પાસે ચાલી રહેલા સબ-વે વાઈડનિંગના કામમાં અનેક વિઘ્નોને કારણે કૉન્ટ્રેક્ટરે મશીન અને કાટમાળ ત્યાં જ રહેવા દીધો હતો, જે હવે હટાવી દેવામાં આવ્યો (Gujarati Midday Dot Com Impact) છે, જેને પગલે વાહનચાલકોને ઘણી રાહત મળી છે. ઉપરાંત કામ પણ પૂર ઝડપે શરૂ કરવામાં આવ્યું છે.

હકીકતે, અહીં ટ્રાફિક (Mumbai Traffic)ની સમસ્યાનો અંત આણવા માટે સ્થાનિકોએ લોખંડવાલા રેસિડન્ટ્સ એસોસિયેશન (LRA)ની સ્થાપન કરી અને ટ્રાફિકને નિયત્રણમાં લાવવા માટે ઘણા ઉપાય કર્યા, પરંતુ વિવિધ સરકારી અને બિન-સરકારી કચેરીમાં તાલમેલના અભાવને કારણે કામ ગલ્લે-તલ્લે ચઢી ગયું હતું. વર્ષ ૨૦૧૯માં MMRDA દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ગ્રોવેલ્સ મૉલ પાસેના સબવેને પહોળો કરવા માટેનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. જોકે, આજ સુધી આ કામ પૂરું થયું નથી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે (Gujarati Midday Dot Com Impact) જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્યાંથી કાટમાળ હટાવ્યો હતો. વર્ષ ૨૦૧૯માં હાઇવે PWD વિભાગ પાસે હતો, ત્યારે સબ-વેને પહોળો કરવા અંગે કાંદિવલીના એમએલએ અતુલ ભાતખલકરએ સરકારને વિનંતી કરી હતી. સરકારે સ્પેશિયલ કેસમાં MMRDAને ઑર્ડર આપી આ કામ માટે ટેન્ડર બહાર પડાવ્યું હતું. તેની ડિઝાઇન બની ત્યાં સુધીમાં મેટ્રો શરૂ થઈ ગઈ હતી, તેથી મેટ્રો દ્વારા તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો અને આખરે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને વર્ષ ૨૦૧૯માં તેનું કામ શરૂ થઈ ગયું હતું, પરંતુ કોરોનાને કારણે તે ખોળંગાયું.

ઉપરાંત, બીજો અને સૌથી મહત્ત્વનો પડકાર એ આવ્યો કે બ્રિજ ઉપરથી મહાનગર ગેસની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. ગેસ લાઇનનું કામ સપ્લાઈ ચાલુ રાખવા સાથે કરવું પડે એમ છે, તેના માટે માત્ર જર્મન ટેકનોલોજી જ ઉપલબ્ધ છે અને તેનો ખર્ચ ૩-૪ કરોડ રૂપિયાનો છે. જોકે, તેનો પણ વચ્ચેનો રસ્તો કાઢ્યા બાદ ઓછા ખર્ચમાં આ કામ થાય તેવી ગોઠવણ કરી છે. હાલ મહાનગર ગેસનું કામ શરૂ થઈ ગયું છે.

આ વિશે વધુ વિગતો આપતાં એમએમઆરડી (MMRDA)એના એક્સઝિક્યુટિવ એન્જિનિયર ઇફ્તેખાર અંસારીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, “અમે શક્ય તેટલું જલ્દી આ કામ પૂરું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ બ્રિજ પર મહાનગર ગેસ કામ કરી રહ્યું છે અમે નીચેથી કાટમાળ હટાવી લીધો છે અને પૂર ઝડપે અન્ય સંબંધિત કામ ચાલી રહ્યું છે. અમે બ્રિજનું ગર્ડર પણ ફેક્ટરીમાં તૈયાર રાખ્યું છે. એકવાર મહાનગર ગેસનું કામ થઈ જશે, ત્યાર બાદ અમે ગણતરીના દિવસોમાં અમારી તરફથી પણ પ્રોજેક્ટ પૂર્ણ કરીશું. જો કોઈ વિઘ્ન ન આવે તો અમે ફેબ્રુઆરી ૨૦૨૪માં પ્રોજેક્ટ પૂર્ણ કરી લઈશું.”

ઉલ્લેખનીય છે કે, હાલ ગ્રોવેલ્સ મૉલ પાસેના ફ્લાયઓવર પર અઢી લેનમાં કામ ચાલી રહ્યું છે, જેણે પગલે આખો દિવસ આ ભાગમાં ટ્રાફિક જામ થાય છે.

 

gujarati mid-day mumbai traffic mumbai traffic police mumbai metropolitan region development authority brihanmumbai municipal corporation western express highway bharatiya janata party kandivli mumbai news karan negandhi