દોસ્ત દોસ્ત ના રહા...

06 December, 2023 08:19 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈની કંપનીની જવાબદારી મિત્રને સોંપવાનું ઇંગ્લૅન્ડના ગુજરાતીને ભારે પડ્યું : મિત્રએ કંપનીના બૅન્ક-ખાતામાંથી ૩.૮૫ કરોડ રૂપિયા સેરવી લીધા

ફ્રૉડ

ઇંગ્લૅન્ડમાં પરિવાર સાથે રહેતા ગુજરાતી વેપારીએ તેની અંધેરીની ઑફિસની જવાબદારી મિત્રને સોંપી હતી. તેને કંપનીના બૅન્ક-ખાતાની માહિતી પણ સોંપવામાં આવી હતી. જોકે અમુક કારણો પછી મિત્રને કંપનીમાંથી કાઢી મૂકતાં મિત્રએ ચાર વર્ષમાં કંપનીના બૅન્ક-ખાતામાંથી ૩.૮૫ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. મુંબઈની ઑફિસનું બૅન્ક-સ્ટેટમેન્ટ સામે આવ્યું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ એમઆઇડીસી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવતાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રભાદેવીની એક સોસાયટીમાં રહેતા અને અંધેરી-મરોલ રોડ પર માય ડેટામેટિક્સ એચ. આર ઍન્ડ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડના માલિક ૪૯ વર્ષના દેવાંગ ગાંધીએ કરેલી ફરિયાદ અનુસાર તેમની પુત્રી અને પત્ની ઇંગ્લૅન્ડમાં રહેતાં હોવાથી તેઓ અવારનવાર મુંબઈ આવતા હોય છે. આ કંપનીની ઑફિસો ઇંગ્લૅન્ડ, જર્મની અને બેલ્જિયમમાં છે અને કંપનીની હેડ ઑફિસ લંડનમાં છે. એટલે ફરિયાદીએ મિત્ર રતીશ તાવડે અને બિપિન મહેતાને મુંબઈની ઑફિસ ચલાવવા માટે ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. બન્ને ઘણાં વર્ષોથી મિત્રો હોવાથી તેમને એકબીજા પર ઘણો વિશ્વાસ હતો. કંપનીના બૅન્ક-અકાઉન્ટમાં રતીશ અને બિપિનને સહી કરવાની સત્તા સાથે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૯માં મુંબઈની કંપનીનો કારોબાર ઘટ્યો હોવાથી ૧૫ માર્ચ ૨૦૧૯એ યોજાયેલી કંપનીની બોર્ડ ઑફ મીટિંગમાં ઠરાવ દ્વારા રતીશ તાવડેને ડિરેક્ટરપદ પરથી દૂર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ જ્યારે ગયા મહિનામાં મુંબઈની કંપનીનું બૅન્ક-અકાઉન્ટ તપાસ્યું ત્યારે કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રતીશ તાવડે દ્વારા ઘણા વ્યવહારો કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સ્ટાફ સાથે મળીને કંપનીના બૅન્ક-વ્યવહારો તપાસવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું હતું કે રતીશ તાવડેએ કંપનીના બૅન્ક-ખાતામાંથી તેના અંગત બૅન્ક-ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તેમ જ કંપનીના સીએ દ્વારા કરવામાં આવેલા ઑડિટ-રિપોર્ટ તપાસવા પર જાણવા મળ્યું હતું કે રતીશે છેલ્લાં ચાર વર્ષમાં ૩,૮૫,૮૫,૧૮૭ રૂપિયા કંપનીના બૅન્ક-ખાતામાંથી ઉપાડી લીધા હતા. ત્યાર બાદ રતીશ પાસેથી માહિતી લેતાં તેણે ભૂલ કરી હોવાનું જણાવ્યું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ એમઆઇડીસી પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

એમઆઇડીસી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં હજી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’

mumbai news mehul jethva england Crime News gujaratis of mumbai mumbai crime news