આને કહેવાય ટેક્નૉલૉજીનો જબરદસ્ત ઉપયોગ

25 June, 2024 11:29 AM IST  |  Mumbai | Mehul Jethva

ડોમ્બિવલીના ગુજરાતી એન્જિનિયરે પપ્પાનો રિક્ષામાં ભુલાયેલો મોબાઇલ ટેક્નૉલૉજીની મદદથી પાછો મેળવ્યો : ફોનમાં ઇન્ટરનેટ બંધ હોવા છતાં બીજા ફોનથી મોબાઇલ આૅપરેટ કરી એ બંધ ન થવા દીધો અને સાઇલન્ટ મોડમાંથી રિ​ન્ગિંગ મોડ પર કરી દીધો

ફોન મળ્યા બાદ પરાગભાઈ અને દેવીન્દ્ર મોમાયા.

ડોમ્બિવલી-ઈસ્ટમાં રાજાજી પથ નજીક ભગવતી કૃપા બિલ્ડિંગમાં રહેતા ૭૦ વર્ષના દેવીન્દ્ર મોમાયા તેમનો મોબાઇલ રિક્ષામાં ભૂલી ગયા હોવાની ફરિયાદ કરવા વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં ગયા ત્યારે પ્રાથમિક માહિતીના આધારે પોલીસે નજીવી તપાસ કરી હતી. જોકે આ મોબાઇલમાં રહેલા ડેટા અને ફોટોનું મહત્ત્વ હોવાથી દેવીન્દ્રભાઈના એન્જિનિયર પુત્ર પરાગે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને મોબાઇલ ગુમ થયાના ત્રણ કલાકમાં મોબાઇલનું એક્ઝૅક્ટ લોકેશન જે તેમના ઘરથી આશરે ૧૨ કિલોમીટર દૂર હતું ત્યાં પહોંચી રેતી નીચે દટાયેલો મોબાઇલ શોધી કાઢ્યો હતો.
મોબાઇલ રિક્ષામાં ભૂલી ગયા હોવાનો મેસેજ વૉટ્સઍપ પર નાખ્યા બાદ અલર્ટ થઈ ગયેલા રિક્ષા-ડ્રાઇવરે મોબાઇલને ડોમ્બિવલીમાં અનેક વિસ્તારમાં ફેરવ્યો હતો એમ જણાવતાં દેવીન્દ્રભાઈનાં પત્ની પ્રિયાબહેનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેવીન્દ્ર રવિવારે અમારા એક રિલેટિવ હૉસ્પિટલમાં હતા તેમની ખબર કાઢવા ગયા હતા. ત્યાંથી નીકળી સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષા પકડી સાંજે પાંચ વાગ્યે ઘરે આવ્યા હતા. હાઈ-ડાયાબિટીઝ અને વધુ ઉંમર હોવાથી તેઓ ઘરે આવીને સૂઈ ગયા હતા. સાંજે છ વાગ્યે ઊઠ્યા ત્યારે તેમણે તેમનો મોબાઇલ ઘરમાં શોધ્યો હતો. જોકે એ ન મળતાં તેમણે મોબાઇલ પર અનેક વખત ફોન કર્યા હતા, પણ કોઈએ ઉપાડ્યો નહોતો. અંતે તેમને યાદ આવ્યું કે રિક્ષાવાળાને પૈસા આપતી વખતે તેમણે પોતાનો મોબાઇલ રિક્ષામાં જ રાખી દીધો હતો એટલે અમે રિક્ષાવાળાને શોધવા તાત્કાલિક નીચે ઊતર્યા, પણ રિક્ષામાંથી ઊતર્યા એને એકથી દોઢ કલાક થઈ ગયો હોવાથી તે મળ્યો નહીં. રિક્ષાવાળાને શોધવા માટે મેં મારા સંપર્કના રિક્ષા-યુનિયનના લોકોને માહિતી આપી એટલે તેમણે પોતાના વૉટ્સઍપ ગ્રુપમાં આ માહિતી નાખી હતી. ત્યાર બાદ અમે ઘટનાની ફરિયાદ નોંધાવવા વિષ્ણુનગર પોલીસ-સ્ટેશન ગયાં હતાં. જોકે પોલીસે માત્ર લેવા ખાતર અમારી ફરિયાદ નોંધી હતી.’

મારા ઘરથી ૧૨ કિલોમીટર દૂર મોબાઇલ રેતીમાં દાટવામાં આવ્યો હતો એમ જણાવતાં દેવીન્દ્રભાઈના પુત્ર પરાગ મોમાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિક્ષામાં પપ્પા મોબાઇલ ભૂલી ગયા હોવાની માહિતી મળી ત્યારે મને એમ હતું કે મોબાઇલ પાછળની સીટ પર રહી ગયો હશે અને એ સાઇલન્ટ પર હોવાથી એના પર ડ્રાઇવરનું ધ્યાન નહીં ગયું હોય. એટલે મેં એ મોબાઇલને રિ​ન્ગિંગ પર કરી દીધો હતો. ત્યાર બાદ એ મોબાઇલ પર અનેક વાર રિન્ગ કરી હતી, પણ કોઈએ એ ઉપાડ્યો નહોતો. એટલું જ નહીં, મારા પપ્પાનો ફોન ડોમ્બિવલીના અલગ-અલગ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની માહિતી મને મળી રહી હતી એટલે મને ખાતરી થઈ હતી કે કોઈક મોબાઇલ પોતાની પાસે રાખવા આવું કરી રહ્યું છે. ત્યાર બાદ મેં મોબાઇલને માત્ર પાસવર્ડ સાથે જ સ્વિચ્ડ-ઑફ થઈ શકે એવી સુવિધા ઍ​ક્ટિવ કરી દીધી હતી. ત્રણ કલાક પછી મારા ઘરથી આશરે ૧૨ કિલોમીટર દૂર એક જગ્યા પર મોબાઇલ સ્થિર થઈ ગયો હતો એટલે હું ત્યાં પહોંચ્યો ત્યારે એ મોબાઇલ રેતીની નીચે રિ​ન્ગિંગ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.’

મોબાઇલમાં ઇન્ટરનેટ બંધ, ફોન પણ સાઇલન્ટ, કોણ લઈ ગયું છે એની કોઈ જ જાતની માહિતી ન હોવા છતાં કેવી રીતે મોબાઇલ ટે​​ક્નિકલ માહિતીના આધારે શોધ્યો એની માહિતી આપતાં પરાગ મોમાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારા ઘરના સાત લોકોના મોબાઇલમાં એક કૉમન ઈમેઇલ આઇડી રાખ્યું છે જે ઑલ્ટરનેટ ઈમેઇલ આઇડી તરીકે કામ કરે છે. આ કરવા પાછળનું કારણ એ હતું કે આઠ વર્ષ પહેલાં મારો નવો મોબાઇલ ટ્રેનમાંથી ચોરાયો હતો અને એ મળ્યો જ નહોતો. એટલે જ્યારે મારા પપ્પાનો મોબાઇલ ગુમ થયો અને કોઈકે ચોરી કરવાના ઇરાદે એ પોતાની પાસે રાખ્યો હોવાની ખાતરી મને થઈ એટલે મેં મારા ફોનમાં જે કૉમન ઈમેઇલ આઇડી રાખ્યું હતું એની મદદથી ગૂગલ મૅપ પર પપ્પાના ફોનનું લોકેશન મેળવ્યું હતું. આમાં એક ચીજ ખૂબ જ સમજવા જેવી છે કે ઍન્ડ્રૉઇડ મોબાઇલમાં હાલ એવી સિસ્ટમ છે કે તમારું ઇન્ટરનેટ ભલે બંધ હોય, પણ જ્યારે એના પર કોઈ ફોન આવે ત્યારે આપમેળે એ થોડીક વાર માટે ચાલુ થઈ જાય છે. આ ચીજ મને ખૂબ મદદ કરી ગઈ અને મારા ફોન પર ફાઇન્ડ માય ડિવાઇસમાં જઈને મેં ફોનનો રિન્ગિંગ મોડ ચાલુ કરી દીધો હતો અને પપ્પાના મોબાઇલ પર સતત ફોન કર્યો હતો. તેમના મોબાઇલનું ઇન્ટરનેટ ચાલુ થતું ત્યારે મેં ફાઇન્ડ માય ડિવાઇસના સેટિંગમાં જઈને એ ફોન બંધ કરવા પહેલાં પાસવર્ડ માગે એ સિસ્ટમ ચાલુ કરી દીધી હતી. રિક્ષા-ડ્રાઇવરે ફોન બંધ કરવાની કોશિશ કરી હશે ત્યારે એ ફોન બંધ જ નહીં થયો હોય એટલે તેણે મોબાઇલ રેતીની નીચે દાટી દીધો હતો.’

mumbai news mumbai dombivli gujaratis of mumbai tech news