વગર મહેનતે લકઝરી લાઇફ જીવવા માટે પાલઘરનું ગુજરાતી દંપતી બની ગયું મોબાઇલ-ચોર

21 January, 2025 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેએ લોકલ ટ્રેનમાંથી મોબાઇલ ચોરવામાં માસ્ટરી મેળવી

આરોપી ઉમેશ અને તેની પત્ની કુંજલ.

દાદર રેલવે-સ્ટેશન પરથી જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં એકસાથે પાંચ મોબાઇલની ચોરીના કેસમાં દાદર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ પાલઘરમાં રહેતા બાવીસ વર્ષના ઉમેશ અને તેની ૧૯ વર્ષની પત્ની કુંજલની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ પાસેથી ચોરી કરેલા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આ ગુજરાતી દંપતી વગર મહેનતે લક્ઝરી લાઇફ જીવવા માટે મોબાઇલની ચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બન્ને આરોપીઓ સામે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં બીજા પણ ચોરીના કેસો નોંધાયા હોવાની માહિતી પોલીસે આપી છે.

દાદર સ્ટેશન પર એક જ મોડસ ઑપરેન્ડીથી પાંચ કીમતી મોબાઇલની ચોરી કરવામાં આવી હતી જેની ઝીણવટભરી તપાસ કરતાં અમે આરોપી સુધી પહોંચ્યા હતા એમ જણાવતાં દાદર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર સ્ટેશનના જે વિસ્તારમાંથી મોબાઇલ ચોરાયા હતા એ વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં એક મહિલા સાડી પહેરીને મોબાઇલ સેરવતી જોવા મળી હતી. અમે તે મહિલાની મૂવમેન્ટ પર વૉચ રાખી ત્યારે અમને ધ્યાનમાં આવ્યું કે તેની સાથે કોઈ પુરુષ પણ છે. બન્ને આરોપી જુદા-જુદા સમયે સ્ટેશન પર આવી અલગ-અલગ પ્લૅટફૉર્મ પરથી મોબાઇલ ચોરીને નાસી જતાં હતાં એટલે અમે અમારી ટીમ દરેક પ્લૅટફૉર્મ પર ગોઠવી દીધી હતી. આરોપી વિશે વધુ માહિતીઓ ભેગી કરી ત્યારે તેઓ પાલઘરનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ છટકું ગોઠવીને પાલઘરમાંથી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી હાલમાં અમારા કેસમાં ચોરાયેલા પાંચ મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે. આ મોબાઇલ ફરિયાદીઓને પાછા આપવામાં આવશે ઉપરાંત બન્ને આરોપી પર બીજા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયા હોવાની માહિતી અમારી સામે આવી છે. ચોરી પાછળનો ઉદ્દેશ ‘ઇઝી મની’ ભેગા કરવાનો હોવાનું અમને જાણવા મળ્યું છે.’

mumbai news mumbai dadar Crime News mumbai crime news crime branch palghar