ક્લબ મેમ્બરશિપના પૈસા પાછા લેવા ગયેલા ગુજરાતી દંપતીની મારપીટ

04 July, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાદેવીની સેનેટ હૉલિડેઝ કંપનીના કસ્ટમર મૅનેજર અને અન્ય એક જણ સામે દાદર પોલીસે ફરિયાદ નોંધી : દોઢ લાખ રૂપિયા લીધા પછી કોઈ સર્વિસ ન મળી હોવાનો આક્ષેપ

ગુજરાતી દંપતીની મારપીટ થતી હોવાની તસવીર.

દાદરના શિવાજી પાર્કમાં રહેતી ૩૩ વર્ષની શ્રુતિ તેના પતિ અંકિત ગાંધી સાથે મંગળવારે સાંજે પ્રભાદેવીની સેનેટ હૉલિડેઝમાં ક્લબ મેમ્બરશિપના નામે ભરેલા પૈસા પાછા લેવા ગઈ ત્યારે તેમની મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ દાદર પોલીસ-સ્ટેશનમાં મંગળવારે રાત્રે નોંધાઈ છે. સેનેટ હૉલિડેઝના કસ્ટમર મૅનેજર વિવેક વર્માએ ક્લબ મેમ્બરશિપના નામે આ ગુજરાતી દંપતી પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ કોઈ સર્વિસ ન મળતાં પોતાના પૈસા પાછા લેવા ગુજરાતી દંપતી ગયું ત્યારે ઉશ્કેરાયેલા વિવેક અને તેની સાથેના એક યુવાને બન્ને જણની મારપીટ કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

૨૦૨૧માં મારાં નવાં-નવાં લગ્ન થયાં એ દરમ્યાન હું સેનેટ હૉલિડેઝના સંપર્કમાં આવ્યો હતો, ત્યાર બાદ હું અને મારી વાઇફ શ્રુતિ તેની ઑફિસ પર ગયાં ત્યારે તેમણે મને દોઢ લાખ રૂપિયામાં ૩૬ નાઇટ બહારગામની હોટેલમાં સ્ટે સાથે વિવિધ ઑફરો આપી હતી એમ જણાવતાં અંકિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યારે તેમણે માહોલ એવો બનાવ્યો હતો કે હું એ જ સમયે પૈસા ભરી દેવા તૈયાર થઈ ગયો હતો. આ મેમ્બર​શિપ હેઠળ બે વાર અલગ-અલગ જગ્યાએ મેં સ્ટે કર્યો હતો. જોકે ત્યાં પણ મારે અમુક પૈસા ભરવા પડ્યા હતા. ત્યાર બાદ અમે મોટી ટૂરનો પ્લાન કરતાં મોટા ભાગના પૈસા અમારે ભરવાના આવતા હોવાથી મેં મારી મેમ્બર​શિપ કૅન્સલ કરીને મારા પૈસાની માગણી સેનેટ હૉલિડેઝ પાસે કરી હતી. ત્યાર બાદ તેમણે મને ખૂબ રખડાવ્યો હતો. અંતે તેમણે મને જૂનના અંતમાં પૈસા આપશે એવો વાયદો કર્યો હતો. જોકે એ પણ મળ્યા નહોતા એટલે હું અને મારી પત્ની મંગળવારે સાંજે સાડાસાત વાગ્યે તેમની ઑફિસ પર પૈસા લેવા ગયાં હતાં. ત્યારે તેમણે ફરી સમય માગ્યો હતો. એ સાંભળીને મેં તાત્કાલિક પૈસા આપવા માટેની માગણી કરી ત્યારે અમોલ રાજે નામના યુવાને મને પાછળથી ધક્કો માર્યો હતો અને અપશબ્દો બોલ્યો હતો. એ દરમ્યાન વિવેક વર્મા ત્યાં આવ્યો હતો અને તેણે પણ મારી મારપીટ કરી હતી. મને છોડાવવા આવેલી મારી વાઇફની પણ તેમણે મારપીટ કરી હતી. અંતે મેં દાદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

આ ઘટનાની માહિતી લેવા સેનેટ હૉલિડેઝના કસ્ટમર મૅનેજર વિવેક વર્માનો સંપર્ક કર્યો ત્યારે તેમણે વૉટ્સઍપ મેસેજ મારફત કયા કેસની વાત કરવી છે એની માહિતી ‘મિડ-ડે’ના રિપોર્ટર પાસેથી લઈ લીધી હતી, પણ ત્યાર બાદ મેસેજ મોકલ્યો કે અત્યારે અમે અવેલેબલ નથી, તમે કસ્ટમર કૅર વિભાગને કૉલ કરો. આ મેસેજ બાદ ‘મિડ-ડે’એ વિવેક વર્માએ મોકલાવેલા કસ્ટમર કૅર વિભાગના નંબર પર કૉલ કર્યો હતો, પણ એ નંબર પણ બંધ આવતો હતો.

dadar prabhadevi mumbai news mumbai Crime News mumbai crime news gujaratis of mumbai