સવારને બદલે રાતનું કાર-ટ્રાવેલિંગ બિલ્ડર માટે બન્યું જીવલેણ

03 October, 2023 10:50 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

જેપી ઇન્ફ્રા અને ઍપેક્સ બિલ્ડકોનના પટેલ માલિક બધું સંકેલીને કાયમ માટે કૅનેડા જવાના હતા એના ચાર દિવસ પહેલાં શ્રીકૃષ્ણનાં દર્શન કરીને પાછા ફરતી વખતે મૃત્યુ થયું

કૃષ્ણનાં દર્શન કર્યા બાદ કાર-અકસ્માતમાં અવસાન પામેલા હિતેશકુમાર પટેલ

જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઍપેક્સ બિલ્ડકોન સહિતની સાત કંપનીના માલિક હિતેશકુમાર કેશવલાલ પટેલનું કાર-અકસ્માતમાં મૃત્યુ થવાની ચોંકાવનારી ઘટના રાજકોટ પાસે બની હતી. કૃષ્ણના પરમ ભક્ત એવા આ બિલ્ડર તેમનો બાંધકામનો વ્યવસાય સંકેલીને કૅનેડા સેટલ થવા માગતા હતા. તેઓ પત્ની સાથે ૨૯ સપ્ટેમ્બરે કૅનેડા જવા નીકળવાના હતા. કૅનેડા જતાં પહેલાં તેમણે હરિદ્વારની યાત્રા કરી હતી અને દ્વારકાધીશનાં દર્શન કરવા માગતા હતા એટલે તેઓ દ્વારકા ગયા હતા. કૃષ્ણનાં દર્શન કર્યા બાદ તેઓ બીજા દિવસે સવારે કપડવંજ જવા નીકળવાના હતા, પરંતુ અચાનક રાત્રે નીકળ્યા હતા અને રાજકોટ પાસે કાર એક નાળાની દીવાલ સાથે અથડાતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું.

મૂળ કપડવંજના કડવા પાટીદાર સમાજના ૫૭ વર્ષના હિતેશકુમાર કેશવલાલ પટેલ લાંબા સમયથી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમને કૃષ્ણ ભગવાનમાં અપાર આસ્થા હતી એટલે તેઓ અવારનવાર મીરા રોડ અને જુહુના ઇસ્કૉન મંદિર ઉપરાંત કૃષ્ણના દરેક તીર્થમાં દર્શન કરવા અવારનવાર જતા હતા.

આવી જ રીતે હિતેશકુમાર તેમના સાળા અલ્કેશ પટેલ અને અકાઉન્ટન્ટ નીલેશ ત્રિવેદી સાથે દ્વારકાધીશનાં દર્શન કરવા માટે ૨૩ સપ્ટેમ્બરે કપડવંજથી કારમાં ગયા હતા. શ્રીકૃષ્ણનાં દર્શન કર્યા બાદ તેઓ બીજા દિવસે સવારના પાછા આવવા નીકળવાના હતા. જોકે હિતેશભાઈએ અચાનક રાત્રે નીકળવાનો નિર્ણય લીધો હતો.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર પાસે તેમની કાર રાતના બે વાગ્યે પહોંચી હતી ત્યારે એ એક નાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. હિતેશકુમાર કારની પાછળની સીટમાં બેઠા હતા. તેમના માથામાં કારના એસીનું બ્લોઅર અથડાતાં ગંભીર ઈજા થવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કાર-ડ્રાઇવર સહિત સાળા અને અકાઉન્ટન્ટને થોડીઘણી ઈજા થઈ હતી.

કૅનેડા સ્થિર થવા ધંધો સંકેલ્યો
કપડવંજમાં રહેતા હિતેશકુમારના ભાઈ જયેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો સુધી બાંધકામનો વ્યવસાય કર્યા બાદ હિતેશભાઈએ બધું સંકેલીને કૅનેડામાં સેટલ થવાનો નિર્ણય લીધો હતો. તેમને કોઈ સંતાન નથી. તેમનાં પત્ની વર્ષાબહેન કૉલેજમાં પ્રોફેસર છે. ૨૯ સપ્ટેમ્બરે તેઓ કૅનેડા જવાના હતા. તેઓ કૃષ્ણના ભક્ત હતા એટલે કૅનેડા જતાં પહેલાં દ્વારકાધીશનાં દર્શન કરવા માગતા હતા. આથી તેઓ દ્વારકા ગયા હતા અને પાછા ફરતી વખતે તેમની કારનો ઍક્સિડન્ટ થયો હતો. આ ઘટનાથી સૌ ચોંકી ગયા છે. તેઓ જેમના પરમ ભક્ત હતા તેમનાં દર્શન કર્યા બાદના ગણતરીના કલાકોમાં જ તેમની જીવન લીલા સંકેલાઈ ગઈ છે.

રહસ્યમય અકસ્માત 
રાતના બે વાગ્યે કારનો અકસ્માત કેવી રીતે થયો એ વિશે અકસ્માતમાં બચી ગયેલા લોકોને ખબર નહોતી પડી. આ વિશે જયેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર-ડ્રાઇવર હિંમત પરમાર થાકી ગયા હતા એટલે અકસ્માત થયો હતો ત્યારે હિતેશભાઈના સાળા અલ્કેશ પટેલ કાર ચલાવી રહ્યા હતા. મોડી રાતનો સમય હતો ત્યારે રસ્તો એકદમ સાફ હોવા છતાં કાર અચાનક એક તરફ ફંગોળાઈને નાળાની દીવાલ સાથે અથડાઈ હતી. કારમાં પ્રવાસ કરનારા બધા એ સમયે થોડો સમય બેહોશ થઈ ગયા હતા. બાદમાં ખ્યાલ આવ્યો હતો કે હિતેશભાઈના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ખૂબ લોહી નીકળતાં તેમનું અવસાન થયું હતું. અલ્કેશ પટેલે અમને કહ્યું છે કે રસ્તો એકદમ સાફ હતો ત્યારે આ ઍક્સિડન્ટ કેવી રીતે થયો હતો એનો તેને ખ્યાલ જ નહોતો આવ્યો.’

road accident rajkot gujarat mumbai mumbai news canada prakash bambhrolia