કૅન્સરના દરદીઓની મદદ તથા અવેરનેસ માટે ગુજરાતી બાળકોએ એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યો

08 November, 2022 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ વર્ષની ઉંમરનાં બે બાળકોના પરિવારમાં કૅન્સરના દરદીઓ હોવાથી તેમને પડતી તકલીફ અને સારવારનો ખર્ચ સામાન્ય લોકો માટે મુશ્કેલ હોવાનું ધ્યાનમાં આવતાં ૨૦ લાખ રૂપિયા એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો

કૅન્સરની અવેરનેસ અને મદદ માટે એવરેસ્ટના બેઝ કૅમ્પ સર કરનારાં પાંચ ગુજરાતી બાળકો

કૅન્સરની બીમારીની અવેરનેસ અને આ બીમારી આવવાથી થતી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કોઈક રીતે મદદ કરવાની ભાવનાથી મુંબઈનાં ૧૧થી ૧૨ વર્ષનાં પાંચ ગુજરાતી બાળકોએ ખૂબ જ મુશ્કેલ ગણાતો એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યો છે. પાંચેય બાળકોએ હાડ થિજાવી નાખે એવી માઇનસ ૧૫ ડિગ્રી ઠંડીમાં બાર દિવસ પ્રવાસ કર્યો હતો. આ બાળકો સાથે તેમના એક-એક પેરન્ટ્‌સ પણ હતા. કૅન્સરની અવેરનેસ માટે આયોજિત કરાયેલા આ એવરેસ્ટ ટ્રૅકનો ખર્ચ ૨૦ લાખ રૂપિયા આવ્યો છે અને એટલી જ રકમ કૅન્સરના દરદીઓને મદદ કરવા માટે એકત્રિત કરવાનો નિર્ધાર આ બાળકોએ કર્યો છે.

સાયનમાં રહેતા ૧૧ વર્ષના નીવ શાહના નજીકના એક સંબંધીનું કૅન્સરની બીમારીને લીધે ચાર મહિના પહેલાં મૃત્યુ થયું હતું. કૅન્સરમાં પોતાના સ્વજન ગુમાવવાથી નીવ અને તેના પેરન્ટ્‌સ આ બીમારી માટે કંઈક કરવાનું વિચારતા હતા ત્યારે નીવની ફ્રેન્ડ ક્રિશાની માતા જસ્વી સાવલાએ કૅન્સરની અવેરનેસ અને કૅન્સરના દરદીઓને આર્થિક મદદ કરવા માટે ફંડ ઊભું કરવા માટે એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રૅક કરવાનું સૂચન કર્યું હતું. જસ્વી સાવલાનાં દાદી પણ બે વર્ષથી કૅન્સરથી પીડાય છે એટલે તેમના મનમાં આવો વિચાર આવ્યો હતો. જિયા મહેતા નામની બાળકીનાં નાની પણ કૅન્સરની બીમારીથી બહાર આવ્યા હોવાથી તેનાં મમ્મી પૂજા મહેતાએ પણ ટ્રૅકમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેઓ ૧૨ દિવસની ટ્રૅક ટૂર પર નીકળી ગયાં હતાં. પાંચેય બાળકો એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કરીને સોમવારે મુંબઈ પાછા ફર્યાં હતાં.

આઉટડોર ઍક્ટિવિટી કામ લાગી
નીવનાં મમ્મી નમ્રતા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નીવ સાથે એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રૅક કરનારી ક્રિશાનાં મમ્મી જસ્વી ટ્રૅકિંગ અને નૅચર વૉક જેવી આઉટડોર ઍક્ટિવિટી કરાવે છે. જ્યારે તેમણે કૅન્સરના દરદીઓને મદદ કરવા ફંડ માટે એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રૅકની વાત કરી ત્યારે અમને તેમનો વિચાર ગમ્યો હતો. કૅન્સરના દરદી અને તેમના પરિવારજનોની કેવી હાલત થાય છે એનો અનુભવ અમે બે મહિનામાં કરી લીધો હતો. નીવ અને ક્રિશાની સાથે વિલે પાર્લેમાં રહેતો અહાન ગોરડિયા, સાયનમાં રહેતી જિયા મહેતા અને ટિયા વસા પણ સાથે જોડાયાં હતાં. પાંચેય બાળકો સાથે તેમના એક-એક પેરન્ટ્‌સ આ ટ્રૅકમાં સામેલ થયા હતા. ટ્રૅકમાં જોડાયેલાં તમામ બાળકો નિયમિત આઉટડોર ઍક્ટિવિટી કરે છે એટલે તેમને ટ્રૅકિંગમાં બહુ મુશ્કેલી નહોતી પડી.’

મુશ્કેલી બાદ પણ ટ્રેક પૂરો કર્યો
એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રૅક શરૂ કરતાં પહેલાં જ નીવના પેટમાં દુ:ખાવો થયો હતો. આ વિશે નમ્રતા મહેતાએ કહ્યું હતું કે ‘પેટમાં દુ:ખતું હતું ત્યારે નીવને ડૉક્ટરે બે ઑપ્શન આપ્યા હતા. કાં તો તે ટ્રૅક માંડી વાળે અથવા તે આગળ વધે. સ્થાનિક અને મુંબઈના ડૉક્ટરોની સલાહ અને દવાથી નીવને ઘણું સારું થઈ ગયું હતું એટલે તેણે કોઈ પણ ભોગે ટ્રૅક પૂરી કરવાનો નિર્ણય લીધો હતો. ૨૬ ઑક્ટોબરે તેમણે ટ્રૅકિંગ શરૂ કર્યું હતું અને રસ્તામાં કેટલીક મુશ્કેલીઓ આવી હોવા છતાં તેઓ સફળતાપૂર્વક બેઝ કૅમ્પ પહોંચ્યાં હતાં. સામાન્ય રીતે ૧૧થી ૧૨ વર્ષનાં બાળકો માટે કાતિલ ઠંડીમાં ઓછા ઑક્સિજન વચ્ચે એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી પહોંચવું મુશ્કેલ હોય છે, પરંતુ આ બાળકો કૅન્સરની બીમારી અને તેના દરદીઓ માટે કંઈક કરવા માગતાં હતાં એટલે તેઓ ઉપર સુધી જઈ શક્યાં.’

૨૦ લાખ રૂપિયા મેળવવાનો લક્ષ્યાંક
કૅન્સરની અવેરનેસ માટે આયોજિત કરવામાં આવેલી એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રૅક માટે અંદાજે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. આટલી જ રકમ કૅન્સરના દરદીઓની સેવા માટે કામ કરતી સંસ્થાને આ બાળકો ડૉનેટ કરવા માગે છે. અત્યાર સુધી ૨.૪૦ લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે અને તેમને આશા છે કે ટૂંક સમયમાં જ તેમને જોઈએ છે એટલી રકમ જમા થઈ જશે. 

mumbai mumbai news mount everest prakash bambhrolia