નેરળ ઊતરતી વખતે ટ્રેનમાં બૅગ ભૂલેલા ઇન્ડિયન અમેરિકનને સુખદ આશ્ચર્ય

02 October, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન ડૉલર, પાસપોર્ટ અને આઇફોન સહિત ૪.૭૪ લાખ રૂપિયાની માલમતા ધરાવતી બૅગ GRPએ પાછી અપાવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકામાં રહેતા ૪૪ વર્ષના ઍન્થની ડી’કોસ્ટાનો પ​રિવાર નેરળમાં રહે છે. તેઓ ૨૯ સપ્ટેમ્બરે પરિવારને મળવા ભારત આવ્યા હતા. ટ્રેનમાં નેરળ જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ત્રણ બૅગ હતી. નેરળ આવતાં તેઓ બે બૅગ લઈને ઊતરી ગયા હતા અને એક બૅગ ટ્રેનમાં જ ભૂલી ગયા હતા. થોડી વાર બાદ તેમના ધ્યનામાં આવ્યું કે એક બૅગ ટ્રેનમાં જ ભૂલી ગયા છે એટલે તેમણે તરત જ રેલવેને હેલ્પ લાઇન નંબર પર ફોન કર્યો હતો. એ બૅગમાં ૪૯૦૦ યુએસ ડૉલર, આઇફોન અને તેમનો પાસપોર્ટ હતાં.

જોકે તેમણે ફોન કર્યો ત્યારે ટ્રેન ઑલરેડી કર્જત પહોંચી ગઈ હતી અને ત્યાંથી પાછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ આવવા નીકળી પણ ગઈ હતી. તરત જ કલ્યાણની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. તેમણે અંબરનાથ પોલીસને એ વિશે જણાવતાં અંબરનાથ GRPને જાણ કરાઈ હતી. તેમના પોલીસ-કર્મચારીઓએ ઝડપ કરી હતી અને ટ્રેન અંબરનાથ આવી એટલે તરત જ બીજો અને ચોથો કમ્પાર્ટમેન્ટ ચેક કર્યો હતો. કમ્પાર્ટમેન્ટમાંથી એ બૅગ મળી આવી હતી અને ઍન્થની ડી’કોસ્ટાને પાછી સોંપાઈ હતી. ઍન્થની ડી’કૉસ્ટાએ એની માલમતા સાથેની મહત્ત્વની બૅગ શોધી આપવા બદલ GRPનો આભાર માન્યો હતો.  

mumbai news mumbai nerul mumbai police indian railways