30 March, 2023 08:02 AM IST | Mumbai | Priti Khuman Thakur
ચેતન ગાલાને લઈ જઈ રહેલી પોલીસની ફાઇલ તસવીર
ગ્રાન્ટ રોડ પર આવેલા પાર્વતી મૅન્શનની ‘સી’ વિંગમાં ૨૪ માર્ચે ૫૪ વર્ષનો ચેતન ગાલા ચાકુ લઈને ખૂની ખેલ રમ્યો હતો. અત્યંત ક્રૂરતાથી ચેતને તેના બિલ્ડિંગના સિનિયર સિટિઝન દંપતી પર અનેક વખત ચાકુના વાર કરવા ઉપરાંત જેનિલનો જીવ લેવાની સાથે તેની મમ્મી સ્નેહલનાં આંતરડાં બહાર કાઢી નાખે એવો હુમલો કર્યો હતો. ચેતનની ક્રૂરતા એ દિવસે સૌકોઈએ નજરે જોઈ હતી. ત્યાર બાદ પોલીસ તેને પકડીને લઈ ગઈ ત્યારે તે ખૂબ સામાન્ય હતો. જોકે ગઈ કાલે તો તે પોલીસ સામે રડવા લાગ્યો હતો. આ ઉપરાંત પત્ની અને તેનાં બાળકોને મળવા દેવાની પોલીસને સતત વિનંતી કરી રહ્યો છે. ચેતનની પત્ની અને બાળકો આ ઘટના બાદ પાસે આવેલા બિલ્ડિંગને બદલે બીજે રહેવા જતાં રહ્યાં છે. ગઈ કાલે ચેતનને કોર્ટમાં હાજર કરતાં તેની પોલીસ-કસ્ટડી ૩૧ માર્ચ સુધી વધારવામાં આવી છે.
સ્પૉટ પર નથી લઈ જવાના
ચેતન ગાલાની કેવી હાલતમાં છે એ વિશે માહિતી આપતાં ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને કેસ સંભાળનાર નીતિન મહાડિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે ગઈ કાલે કોર્ટમાં ચેતનની વધુ તપાસ કરવાના મુદા મૂક્યા હોવાથી કોર્ટે તેની પોલીસ-કસ્ટડી વધારી છે. વળી પોલીસ પાસે આ ઘટનાના પૂરતા પુરાવા, વિડિયો, સાક્ષીઓ જેવી તમામ માહિતી હોવાથી ચેતનને ત્યાં લઈ જવાની જરૂર નથી. તેને ત્યાં લઈ જવો રિસ્કી હોવાથી હું સ્પૉટ પર જઈને આવું છું. ગઈ કાલે પ્રકાશ વાઘમારેને મળીને આવ્યો ત્યારે તે ખૂબ ભાવુક હતો.’
નર્વસ થયો અને રડવા લાગ્યો
નીતિન મહાડિકે કહ્યું હતું કે ‘ચેતનને પોલીસ-કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પહેલા ત્રણ-ચાર દિવસ તો તે જોશમાં જોવા મળ્યો હતો અને જાણે કોઈ ફરક પડ્યો ન હોય એવો તેનો સ્વભાવ લાગતો હતો. જોકે તે છેલ્લા બે દિવસથી ખૂબ જ નર્વસ થઈ ગયો છે. તેને અંદાજ આવી ગયો છે કે તેણે કરેલા કામ બદલ તેને ફાંસી કાં તો જન્મટીપની સજા થશે અને જેલમાં જ તેનું જીવન જવાનું છે. ગઈ કાલે ચેતનની પૂછપરછમાં તે ખૂબ જ રડવા લાગ્યો હતો અને તેને આટલો રડતાં પહેલી વાર જોયો હતો.’
પરિવારને મળવાની વિનંતી
નીતિન મહાડિકે વધુમાં કહ્યું હતું કે ‘ચેતનની રોજ પોલીસ પૂછપરછ કરે છે. તે તપાસ વખતે સતત તેની પત્ની અને બાળકોને મળવા દેવાની વિનંતી કરે છે. પરિવારના લોકોનાં નામ લઈને પણ તે રડ્યો હતો અને ઘરના લોકોનો સપોર્ટ લેવા કહી રહ્યો છે.’
જખમી પ્રકાશ વાઘમારેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો
ચેતન ગાલા દ્વારા કરાયેલા ખૂની હુમલામાં ચેતને છેવટે બિલ્ડિંગમાં બધાને ત્યાં કામ કરતાં પ્રકાશ વાઘમારે પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. તેના પેટ પર તકિયું હોવાથી તેનો હુમલો જીવલેણ બન્યો નહોતો. ગઈ કાલે તેને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ મળતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ પ્રકાશે પોલીસને ઘટનાક્રમ વિશે જાણ કરી હતી અને ચેતનનું એ દિવસે રાક્ષસી રૂપ કેવું હતું એ જણાવ્યું હતું. આ બોલતાં-બોલતાં તે રડવા લાગ્યો હતો.