26 March, 2023 08:27 AM IST | Mumbai | Mehul Jethva
ચેતન ગાલા
ગ્રાન્ટ રોડમાં આવેલા પાર્વતી મૅન્શન બિલ્ડિંગમાં રહેતા ૫૪ વર્ષના ચેતન રતનશી ગાલાએ શુક્રવારે બપોરે કોઈ કારણસર ખુન્નસમાં આવીને આડોશપાડોશના લોકો પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ ચકચાર જગાવનાર ઘટનામાં પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. એમાંથી ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે બે વ્યક્તિ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પાંચ લોકો પર છરી વડે હુમલો કરનાર ચેતનને હાલ ઘટનાનો પસ્તાવો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ પસ્તાવો ૧૮ વર્ષની ટીનેજરને મારી હોવાનો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે જે લોકોને તેણે માર્યા છે તેઓ તેની પત્નીને ઊંધા માર્ગે દોરી રહ્યા હોવાની તેને શંકા હતી.
શુક્રવારે બપોરે ગ્રાન્ટ રોડ વિસ્તારમાં બનેલી આ ઘટના પછી મુંબઈ સાથે સમગ્ર કચ્છ-વાગડ સમાજમાં ચકચાર પ્રસરી છે. ઘટનાને અંજામ આપનારા ચેતન ગાલાને આટલો ગુસ્સો કેમ આવ્યો અને તેની મેન્ટલી હાલત સ્ટેબલ છે કે નહીં એ વિશેની માહિતી આપતાં ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી નીતિન મહાડિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેતનની મેન્ટલી હાલત એકદમ બરાબર છે. તેણે જે કર્યું એનો તેને પસ્તાવો પણ થઈ રહ્યો છે. સૌથી વધુ પસ્તાવો તેને ૧૮ વર્ષની ટીનેજરને મારવાનો થઈ રહ્યો છે. ગઈ કાલે કોર્ટમાં તેને હાજર કરતાં ૨૯ માર્ચ સુધી તેની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.’
તપાસ અધિકારી નીતિન મહાડિકે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘ચેતને તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે છેલ્લા બે મહિનાથી તેની પત્ની તે કમાતો ન હોવાથી તેનાથી અલગ રહેવા ચાલી ગઈ હતી. તેને એમ લાગતું હતું કે બાજુમાં રહેતું દંપતી તેની પત્નીના કાન ભંભેરી રહ્યું છે. એ સાથે પહેલા માળે રહેતી મા-દીકરી પણ તેની પત્નીના કાન ભંભેરતી હોવાનું તેને લાગતું હતું એટલે તેણે ગઈ કાલે એકાએક તેમના પર પણ હુમલો કર્યો હતો.’