03 October, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોવિંદા
બૉલીવુડના અભિનેતા, મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા ગોવિંદા આહુજાના પગમાં મંગળવારે સવારના જુહુ ખાતેના ઘરમાં લાઇસન્સવાળી પિસ્ટલ પડવાથી ફાયરિંગ થયું હતું જેમાં તેના પગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ગોવિંદાને નજીકની હૉસ્પિટલમાં લઈ જઈને સર્જરી કરીને ગોળી કાઢવામાં આવી હતી. આ બનાવ બાદ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે હૉસ્પિટલમાં જઈને ગોવિંદાનું નિવેદન નોંધ્યું હતું. જોકે ગોવિંદાએ પિસ્ટલમાં ગોળી ભરીને કેમ રાખી હતી, વહેલી સવારે પિસ્ટલ કબાટમાં રાખી રહ્યો હતો એ પહેલાં તે પિસ્ટલ લઈને ક્યાં ગયો હતો એવા સવાલના યોગ્ય જવાબ નહોતા આપ્યા. ગોવિંદા આ ઘટનામાં કંઈક છુપાવી રહ્યો હોવાની પોલીસને શંકા છે. આથી ગોવિંદા હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પોલીસ ફરી તેમનું નિવેદન નોંધશે એવું જાણવા મળ્યું હતું.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર દયા નાયકની ટીમ મંગળવારે સાંજે ગોવિંદાનું નિવેદન નોંધવા માટે હૉસ્પિટલ પહોંચી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે તે પિસ્ટલ કબાટમાં મૂકતો હતો ત્યારે એ હાથમાંથી છટકીને જમીન પર પડી હતી અને ફાયરિંગ થયું હતું. આ સમયે પોતે ઘરમાં એકલા હોવાનું અભિનેતાએ પોલીસને કહ્યું છે.
આ ઘટના બની હતી ત્યારે પિસ્ટલમાં ૬ ગોળી હતી. એમાંથી ૧ ગોળી ફાયર થઈ હતી. પિસ્ટલ ઘરે મૂકીને જ ગોવિંદા બહાર જવાનો હતો તો તેણે પિસ્ટલમાં ૬ ગોળી શા માટે ભરી હતી? પિસ્ટલ ઘરમાં જ રાખવાની હતી તો ગોળીઓ બહાર કેમ નહોતી રાખી? આ સવાલના જવાબ ગોવિંદા યોગ્ય રીતે નહોતો આપી શક્યો એટલે તે કંઈક છુપાવી રહ્યો હોવાનું પોલીસને લાગે છે. ઘટનાસ્થળના પંચનામાનો રિપોર્ટ આવ્યા બાદ આમાંના કેટલાક સવાલના જવાબ મળવાની શક્યતા છે. ઉપરાંત આ આકસ્મિક ફાયરિંગના મામલામાં પોલીસ નિષ્ણાતોની મદદ લઈ રહી છે.
ગોવિંદાને ICUમાંથી બહાર લાવવામાં આવ્યો
પગમાં લાગેલી ગોળી કાઢ્યા બાદ ગોવિંદાને મંગળવારે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યો હતો. હવે તેની તબિયતમાં સુધારો થયો છે એટલે ગઈ કાલે નૉર્મલ વૉર્ડમાં ખસેડવામાં આવ્યો હોવાનું તેના પરિવારે જણાવ્યું હતું. ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ કહ્યું હતું કે અમે પપ્પાની તબિયતમાં ઝડપી સુધારો થાય એવી આશા રાખીએ છીએ.