09 September, 2023 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ ફોટો (તસવીર:પીટીઆઈ)
મુંબઈ (પી. ટી. આઇ.) : થાણેમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મટકીફોડ આયોજનના બંદોબસ્તમાં રહેલી પોલીસે જ મટકી ફોડી હતી. વાસ્તવમાં દહીહંડી સુધી પહોંચવા માટે પિરામિડ બનાવવાને લઈને બે જૂથો બાખડી પડતાં પોલીસ-કર્મચારીઓએ જ ગોવિંદાનું રૂપ ધારણ કર્યું હતું.
ગુરુવારે જ્યારે આખા મહારાષ્ટ્રમાં દહીહંડીનું ઉત્સાહભેર સેલિબ્રેશન થતું હતું ત્યારે થાણેની આ ઘટનામાં પોલીસ-કર્મચારીઓ ૪૦,૦૦૦ રૂપિયાની ઇનામી રકમ જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના દિવસે યુવાનો દહીંથી ભરેલી મટકી સુધી પહોંચવા માટે માનવ પિરામિડ બનાવે છે અને એમાં ભાગ લેનારાને ગોવિંદા કહેવાય છે.
એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે ભિવંડીના આનંદ દિઘે ચોકમાં દહીહંડીનો મોટો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ ચવિન્દ્રા ગામ અને નાગાંવ એમ બે સ્થાનિક જૂથો વચ્ચે કોણ મટકી ફોડશે એને લઈને વિવાદ થયો હતો. ત્યાં ફરજ બજાવતા પોલીસ-કર્મચારીઓએ લડતાં જૂથોને શાંત પાડીને પરિસ્થિતિ કાબૂમાં લેતાં પોતે જ દહીંહંડી ફોડશે એવું નક્કી કર્યું. પોલીસ-કર્મચારીઓએ દહીહંડીની ઊંચાઈ ઓછી કરીને બે માળનો પિરામિડ બનાવ્યો હતો. ૪૦,૦૦૦ રૂપિયાની ઇનામની રકમ બન્ને જૂથમાં સમાન રીતે વહેંચી દેવામાં આવી હતી.’