નીતિન દેસાઈનો ND સ્ટુડિયો સરકારે પોતાના હસ્તક લઈ લીધો

29 November, 2024 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનૅન્શિયલ તકલીફને કારણે ગયા વર્ષના ઑગસ્ટમાં નીતિન દેસાઈએ આ સ્ટુડિયોમાં જ આત્મહત્યા કરી હતી.

નીતિન દેસાઈ, ND સ્ટુડિયો

આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈએ કર્જતમાં ઊભો કરેલો ND સ્ટુડિયો મહારાષ્ટ્ર ફિલ્મ, થિયેટર ઍન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MFTCDC)એ ચલાવવા માટે પોતાના હસ્તક લઈ લીધો છે. ફિલ્મસિટીના નામે જાણીતી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીનો કારભાર પણ MFTCDC સંભાળે છે.

MFTCDCનાં મૅનેજિંગ ડિરેક્ટર સ્વાતિ મ્હસે-પાટીલે કહ્યું હતું કે ‘હવે પછી ND સ્ટુડિયોનું કામકાજ કૉર્પોરેશનના માર્ગદર્શન હેઠળ ચાલશે. MFTCDCએ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને જે રેઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો હતો એ મંજૂર થઈ ગયો હોવાથી ND સ્ટુડિયોનું રોજેરોજનું ઍડ્‍મિનિસ્ટ્રેશન, સિક્યૉરિટી, ફિલ્મિંગ, રેવન્યુ, અકાઉન્ટ્સ સહિતનું તમામ કામ સરકારના પ્રતિનિધિ તરીકે કૉર્પોરેશનની નિગરાણી હેઠળ ચાલશે. તમામ કામ સારી રીતે ચાલે એ માટે એક સ્પેશ્યલ ઍક્શન ટીમ બનાવવામાં આવી છે.’ ૨૦૦૫માં શરૂ કરવામાં આવેલો ND સ્ટુડિયો બાવન એકરમાં પથરાયેલો છે. જોકે ફાઇનૅન્શિયલ તકલીફને કારણે ગયા વર્ષના ઑગસ્ટમાં નીતિન દેસાઈએ આ સ્ટુડિયોમાં જ આત્મહત્યા કરી હતી.

mumbai news mumbai karjat maharashtra news maharashtra suicide