19 January, 2023 08:39 AM IST | Mumbai | Ranjeet Jadhav
આરે કારશેડ માટે વૃક્ષો કાપવામાં આવતાં અગાઉ લોકોએ એનો વિરોધ કર્યો હતો (તસવીર : સમીર માર્કન્ડે)
આરે મિલ્ક કૉલીનીમાં મેટ્રો લાઇન ૩ના કારડેપો માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) દ્વારા ટ્રી ઑથોરિટી પાસે ૧૭૭ વૃક્ષો કાપવાની કે અન્ય સ્થળે ફરી વાવવાની મંજૂરી માગવામાં આવી છે. પર્યાવરણવાદીઓએ એવો આરોપ મૂક્યો છે કે આ વૃક્ષો કારડેપોમાં, ડેપોની બહાર કે અન્ય ક્યાંક કાપવાનાં છે અથવા તો એને અન્ય જગ્યાએ લઈ જવાનાં છે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. ટ્રી ઑથોરિટી ઑફ ધ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના કે-વેસ્ટ વોર્ડ દ્વારા વૃક્ષો હટાવવા માટે સુધરાઈના કમિશનર અથવા ચૅરમૅન પાસે મંજૂરી માગવામાં આવી છે. આ પ્રસ્તાવ અંગે સુધરાઈની વેબસાઇટ પર માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં લોકોને આ વિશે કોઈ વાંધો કે સૂચન હોય તો ૨૩ જાન્યુઆરી પહેલાં sg.gardens@mcgm.gov.in પર ઈ-મેઇલ કરવા જણાવાયું છે અથવા તો તેમને સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવાયું છે. ત્યાર બાદ કોઈ વાંધા સ્વીકારવામાં નહીં આવે. વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તાવ એમએમઆરસીએલ દ્વારા સરીપુતનગર, આરે કૉલોની મેટ્રો લાઇન ૩ માટે કરવામાં આવ્યો છે.
સ્થળનો ઉલ્લેખ નહીં
પ્રસ્તાવમાં કુલ ૧૮૫ વૃક્ષોની વાત છે જેમાં ૧૨૪ને કાપવામાં આવશે અને ૫૩ને ટ્રાન્સપ્લાન્ટ કરાશે. પર્યાવરણવાદી ઝોરુ ભાઠેનાએ કહ્યું હતું કે ‘અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આરે મિલ્ક કૉલોનીના કારડેપોમાં વધુ વૃક્ષો કાપવાની જરૂર નથી. જોકે ગયા વર્ષે સરકારે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે ૮૦ વધુ વૃક્ષો કાપવા પડશે અને હવે મેટ્રો લાઇન ૩ માટે નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કયાં વૃક્ષોને કાપવામાં આવશે અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાશે એ વિશે કંઈ જણાવાયું નથી.’
ઝોરુ ભાઠેનાએ આરોપ કર્યો હતો કે ‘મેટ્રો ૩ કારડેપો માટે વૃક્ષો કાપવાને લઈને સરકારનો ઇતિહાસ ચોખ્ખો નથી. ૨૦૧૪માં બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું હતું કે ૨૫૦ વૃક્ષો કપાશે. ૨૦૧૫માં સરકારની ટેક્નિકલ કમિટીએ ૫૦૦ વૃક્ષ કાપવાની ભલામણ કરી. ૨૦૧૮-’૧૯માં આ આંકડો વધીને ૩,૦૦૦ થયો અને ઑક્ટોબર ૨૦૧૯માં એવો ખોટો દાવો કર્યો તમામ ૩,૦૦૦ વૃક્ષો કપાઈ ગયાં છે અને હવે એક પણ વૃક્ષ કાપવાની જરૂર નથી. જોકે બાદમાં કામ બંધ થઈ ગયું અને જંગલ પાછુ જીવિત થયું હતું.’
માત્ર સુપ્રીમ કોર્ટ પાસે આશા
ઝોરુ ભાઠેનાએ વધુમાં કહ્યું હતું કે ‘જૂન ૨૦૨૨માં સરકારે જાહેરમાં કહ્યું હતું કે એક પણ વૃક્ષ નહીં કપાય, પરંતુ હજારો નવાં વૃક્ષો સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કાપવામાં આવ્યાં હતાં. નવેમ્બર મહિનામાં ૮૪ વધુ વૃક્ષ કાપવાની મંજૂરી માગવામાં આવી હતી. હવે જાન્યુઆરીમાં વધુ ૧૭૭ વૃક્ષો કાપવા માટે મંજૂરી માગવામાં આવી છે. હવે એકમાત્ર સુપ્રીમ કોર્ટ પાસે જ આશા છે. સુપ્રીમ કોર્ટ સરકારની પ્રવૃત્તિઓને રોકશે.’