02 September, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
ગોરેગામની પત્રા ચાલના કૌભાંડ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેઓ જામીન પર છે. આ મામલાનાં સાક્ષી ડૉ. સ્વપ્ના પાટકરે સંજય રાઉત પર ગંભીર આરોપ મૂકતો પત્ર આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના ઍડિશનલ ડિરેક્ટરને લખ્યો છે. ડૉ. સ્વપ્ના પાટકરે પત્રમાં લખ્યું છે કે ‘આરોપી સંજય રાઉત અને તેમના ગુંડાઓ સતત મને ધમકાવી રહ્યા છે. હું નિવેદન નહીં બદલું તો મારા પર બળાત્કાર કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ કેસના બીજા સાક્ષીઓને પણ આવી જ રીતે ધમકાવવામાં આવે એવી શક્યતા છે. મને મારું નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.’
ડૉ. સ્વપ્ના પાટીલે દાવો કર્યો છે કે તેણે ૨૦૧૬થી ૨૦૨૧ દરમ્યાન અનેક ઈ-મેઇલ કરી હતી, જેનો જવાબ નહોતો આપવામાં આવ્યો એટલે ઉદ્ધવ ઠાકરેને પણ આ વિશે પત્ર લખ્યો હતો. એનો પણ જવાબ નથી મળ્યો. ઉલ્લેખનીય છે કે ગોરેગામની પત્રા ચાલના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આરોપ થયા બાદ સંજય રાઉત સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ અત્યારે ED કરી રહી છે.