પાણીનું કનેક્શન બીએમસીએ નથી આપ્યું ત્યારે આગ ઓલવવી શેનાથી?

07 October, 2023 07:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગોરેગામમાં આવેલા જયભવાની બિલ્ડિંગમાં લાગેલી આગ વિકરાળ બનવાનું આ રહ્યું કારણ

ગોરેગામના જયભવાની બિલ્ડિંગમાં આગે રીતસરનો વિનાશ વેર્યો હતો (તસવીર : અનુરાગ અહિરે)

પીવાના પાણીની લાઇન આપવા અનેક રજૂઆત કરાઈ, પણ એ અધિકારીઓના બહેરા કાને અથડાઈ : પોલીસ અને ફાયર બ્રિગેડે ઝડપી પગલાં લીધાં હોત તો ઘણા લોકો બચી શક્યા હોત એવું કહેવું છે ૧૮ વર્ષની ભત્રીજી ગુમાવનાર લતા મહેતાનું : વિશાલ રાઠોડે તેનાં માતા-પિતા અને નાના ભાઈને જબરદસ્તી ઘરમાંથી બહાર ન કાઢ્યાં હોત તો ખબર નહીં તેમનું શું થયું હોત

ગોરેગામ-વેસ્ટના ઉન્નતનગરમાં આવેલા એસઆરએના જયભવાની બિલ્ડિંગમાં મધરાત બાદ આગ લાગી હતી. એમાં સાત જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે બીજા ૩૧ જેટલા લોકો ઘાયલ થયા હતા. જાણવા મળ્યા મુજબ એ બિ​લ્ડિંગમાં બીએમસીએ પીવાના પાણીની લાઇનનું કનેક્શન જ નથી આપ્યું એટલે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારે બિલ્ડિંગમાં આગ ઓલવવા પૂરતું પાણી જ નહોતું. બિલ્ડિંગના ૬૯ ફ્લૅટમાં રહેતા પરિવારો વાપરવા માટે બોરવેલનું પાણી વાપરે છે, પણ પીવાના પાણી માટે બાજુનાં મકાનોમાં રહેતા લોકો પાસે વિનંતી કરી તેમની પાસેથી હાંડા અને કેન ભરીને પાણી લાવવું પડે છે. આમ ફાયર બ્રિગેડે પણ ટૅન્કરો પર અને આજુબાજુનાં બિલ્ડિંગોમાંથી પાણીની સપ્લાય લઈને આગ ઓલવવાનું ભગીરથ કાર્ય પાર પાડવું પડ્યું હતું.

બિલ્ડિંગના પહેલા માળે રહેતા સેક્રેટરી સંજય ચૌગુલેએ આ આગમાં તેમની ​૧૮ વર્ષની દીકરી તિશા ચૌગુલેને ગુમાવી છે. દીકરીના મોત બાદ ભાંગી પડેલા સંજય ચૌગુલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ તો લગભગ બે વાગ્યાની આસપાસ લાગી હતી અને એની જાણ ફાયર બ્રિગેડને પણ કરાઈ હતી, પણ ફાયર બ્રિગેડ લગભગ પોણો કલાક પછી આવી હતી. એટલામાં તો આગ વકરી ગઈ હતી અને બહુ જ ધુમાડો થયો હતો. અમે પહેલા માળે જ રહીએ છીએ. આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગી હતી અને ત્યાંથી ધુમાડો બધો ઉપર આવતો હતો, જેને કારણે કંઈ દેખાતું નહોતું. મેં બિલ્ડિંગમાં પાણી લાવવા બહુ જ પ્રયાસ કર્યા હતા. બીએમસીની ‘પી’ સાઉથની ઑફિસમાં ઘણીબધી વાર ધક્કા ખાઈ અરજીઓ કરી હતી. એટલું જ નહીં, તેમણે માગ્યા એ દસ્તાવેજો આપ્યા હતા, પણ કેમેય કરી તેઓ અમારી ફાઇલ, અરજી ગણકારતા નહોતા. અમારી પાસે બીએમસીનું પાણી જ નથી તો પછી ફાયર બ્રિગેડવાળા પણ શું કરે? વળી એસઆરએનું સાત મા‍ળનું બિલ્ડિંગ છે. લિફ્ટ પણ બંધ છે, કારણ કે એની મોટર ચોરાઈ ગઈ છે. સિનિયર સિટિઝનો સહિત બધા જ રહેવાસીઓ દાદરા ચડીને ઉપર જાય છે. ગઈ કાલે આગ લાગી ત્યારે દાદરમાં ધુમાડો થતાં લોકો અટકી ગયા હતા.’

સંજય ચૌગુલેની ગુજરાતીમાં પરણેલી બહેન લતા મહેતા નજીકમાં જ આવેલી તિવારી હૉસ્પિટલની સામેના બિલ્ડિંગમાં રહે છે. આગ લાગ્યાની જાણ થતાં તે તરત જ તેના યુવાન છોકરાઓ સાથે દોડી આવી હતી. લતા મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મમ્મી પહેલા માળે રહે છે અને બાજુમાં બીજી રૂમમાં મારા ભાઈનો પરિવાર રહે છે. અમે પહોંચ્યા એ પછી ફાયર બ્રિગેડ આવી. અમે પોલીસ અને ફાયર બ્રિગેડને બહુ રિક્વેસ્ટ કરી કે અમને ઉપર જવા દો, પણ તેમણે જવા નહોતા દીધા. એ લોકો પાસે ઑક્સિજનનાં સિલિન્ડર હોવા છતાં જરા પણ રિસ્ક લેવા તૈયાર નહોતા. શરૂઆતમાં જવાય એવું હતું, પણ એમ છતાં તેમણે કોઈ જ ઝડપી પગલાં ન લીધાં. જો તેમણે ઝડપી પગલાં લીધાં હોત તો કેટલાક લોકો બચી ગયા હોત. મારા ૧૮ વર્ષના દીકરા સંકેતને મેં કહ્યું કે કંઈક કરવું જોઈએ. એટલે તે પાછળની બાજુએ ગયો. ત્યાં અમે ફાયર બ્રિગેડની નાની સીડી લઈ ગયા. ત્યાંથી અમે પહેલા માળની બીજી કેટલીક રૂમની બારીઓ ખોલી જેથી ધુમાડાને બહાર નીકળવાની જગ્યા મળે. ત્યાર બાદ મારો દીકરો અને અન્ય એક યુવાન બિલ્ડિંગની સીડીથી ઉપર ગયા. તેઓ અંધારામાં બૂમો મારીને ભત્રીજી તિશાને શોધી રહ્યા હતા. તે બાજુવાળાના ઘરમાં ચાલી ગઈ હતી. બાજુમાં નેપાલી ફૅમિલી રહે છે. એ ફૅમિલીની મહિલા અને તિશા બંને તેમની રૂમમાંથી મળી આવી હતી. બંને મૃત્યુ પામી હતી.’ 

માતા-પિતા અને ભાઈને જબરદસ્તી બહાર કાઢ્યા 
મૂળ ગુજરાત અને રાજસ્થાનની બૉર્ડર પર રહેતા વણજારા સમાજનો વિશાલ રાઠોડ, તેની પત્ની અને બે બા‍ળકો જયભવાની બિલ્ડિંગમાં બીજા માળે રહેતાં હતાં, જ્યારે એ જ ફ્લોર પર તેનાં માતા-પિતા અને નાનો ભાઈ બીજી રૂમમાં રહેતાં હતાં. વિશાલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફ્રી-લાન્સ મેકઅપમૅનનું કામ કરે છે. આગની આ ઘટનામાં વિશાલની પત્ની કલ્પના, બે વર્ષ બે મહિનાની દીકરી પ્રિશા અને માત્ર ત્રણ મહિનાના દીકરા મનવિકને પણ આગની જ્વાળા લાગી ગઈ હતી. તેમની ઈજાઓ ગંભીર જણાતાં તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં. કસ્તુરબા હૉસ્પિટલના ડીન ડૉ. ચંદ્રકાન્ત પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્પના અને તેની દીકરી બંને સ્ટેબલ છે, જ્યારે બાળક (મનવિક) બહુ જ નાનું છે. તેને બહુ ઈજાઓ નથી એ ખરું, પણ જે પણ બર્નની ઈજાઓ છે એ તેની ઉંમર જોતાં જોખમી નીવડી શકે. હાલ તેની હાલત ક્રિટિકલ કહી શકાય.’

વિશાલની બે વર્ષની દીકરીને બંને પગના પંજાઓમાં ઈજા થઈ છે. એથી તેના બંને પગે પાટાપિંડી કરવામાં આવી છે અને તેને ઊભી રાખી શકાય એમ નથી એટલે કાખમાં લઈને બેસવું પડે છે. ઈજાને કારણે બે વર્ષની બાળકી દુ:ખતું હોવાથી રડતી રહે છે. ગઈ કાલે કસ્તુરબા હૉસ્પિટલના બર્ન્સ વૉર્ડની બહાર ખુલ્લામાં તેને કાખમાં લઈને પરિવારના સદસ્યો છાની રાખવાના પ્રયાસ કરી રહ્યા હતા.    

વિશાલની બહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિકાસ બીજા માળે રહેતો હોવાથી આગ લાગ્યાની જાણ તેને થોડી જ વારમાં થઈ ગઈ હતી અને તેણે પરિવારને બચાવવા અંધારામાં જ પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે મારાં મમ્મી-પપ્પા અને નાનો ભાઈ જેઓ બાજુની રૂમમાં રહે છે તેઓ ગભરાઈને રૂમમાં જાતે પુરાઈને બેસી ગયાં હતાં. તેઓ બહાર નીકળવા જ તૈયાર નહોતાં. વિશાલે તેમને બહુ સમજાવ્યાં અને આખરે થોડી જબરદસ્તી કરી ત્યારે તેમણે દરવાજો ખોલ્યો હતો અને બહાર આવ્યાં હતાં. જો એમ ન કર્યું હોત તો કશું ખરું નહોતું.’

વિશાલ રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી મોટી ફૅમિલી હોવાથી અમે કિચનમાં સૂતા હતા. લોકોનો અવાજ આવતાં મેં બારીની બહાર જોયું ત્યારે ખબર પડી કે આગ લાગી છે. લાઇટ પણ જતી રહી હતી અને ઘરમાં ધુમાડો હોવાથી કંઈ દેખાઈ રહ્યું નહોતું. આંખો બળી રહી હતી. દરવાજો ખોલતાં ધુમાડો અને આગ સામે આવતાં હતાં. હું મારા દીકરા અને વાઇફને લઈને જેમ-તેમ બહાર નીકળ્યો અને મારા ભાઈને કહ્યું કે તું મમ્મી-પપ્પાને લઈને આવજે. આગની લપેટોમાંથી જેમ-તેમ કરીને અમે બહાર નીકળ્યા હતા. મારો આખો પરિવાર હૉસ્પિટલમાં છે. અમે સાવ નિરાધાર થઈ ગયા છીએ. આગમાં અમારું બધું હોમાઈ ગયું છે.’

બીએમસીનું શું કહેવું છે?
જયભવાની બિલ્ડિંગમાં બીએમસીનું પાણી જ નથી એવી જાણ થયા બાદ આ બાબતે બીએમસીના પી-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર રાજેશ અક્રેનો સંપર્ક કરીને વિગત જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને એ વિશે જાણ નથી. વૉટર માટેનો અમારો અલાયદો ડિપાર્ટમેન્ટ છે. મારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એ વિશે પૂછવું પડશે અને માહિતી મેળવવી પડશે. હાલ હું રેસ્ક્યુ ઑપેરેશનમાં લાગેલો છું.’  

 

fire incident goregaon brihanmumbai municipal corporation mumbai mumbai news bakulesh trivedi