30 June, 2023 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ૨૦૧૯માં વહેલી સવારે થયેલી શપથવિધિનું ભૂત ધૂણ્યું છે. જોકે આ વખતે આ મુદ્દાને સપાટી પર લાવવાનું કામ એ ઘટનાના મુખ્ય કિરદાર નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં હજી સુધી બહાર ન આવેલી વાત તેમણે કહી હતી જેનો ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને શરદ પવારે ઉત્તર આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે શરદ પવારે આપેલા ઉત્તરનો ગણતરીની મિનિટોમાં જ દેવેન્દ્ર ફડણવીસે ઉત્તર આપીને બૉલ ફરી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની કોર્ટમાં નાખી દીધો હતો. આ બધા વચ્ચે ગઈ કાલે સાંજે અચાનક જ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની મુંબઈ ઍરપોર્ટ પર ગુપ્ત મીટિંગ થઈ હતી. ત્યાર બાદ એકનાથ શિંદે દિલ્હી જવા રવાના થયા હતા. એની પહેલાં દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની મુલાકાત લીધી હોવાથી રાજ્ય મંત્રીમંડળનો વિસ્તાર હવે ગમે ત્યારે થશે એવી વાતોએ ફરી એકવાર જોર પકડ્યું છે.
રાજ્યના રાજકારણના અખાડામાં ગઈ કાલનો દિવસ જોરદાર રહ્યો હતો. પહેલાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક ટીવી-ચૅનલને આપેલી સ્ફોટક મુલાકાતમાં પરોઢિયે થયેલી શપથવિધિની સરકાર ત્રણ જ દિવસમાં કઈ રીતે તૂટી પડી એનો ખુલાસો કર્યો હતો અને શરદ પવારે તેમની ડબલ ગેમ કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. બપોરે શરદ પવારે પત્રકાર પરિષદ યોજીને બહુ હસતાં-હસતાં કહી દીધું કે અમે ગૂગલી નાખી અને એમાં ફડણવીસ વિકેટ આપી બેઠા એમાં અમે શું કરીએ?
બીએમસીની અને પછી ૨૦૨૪માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એને લઈને હવે આગળ ઘણું બધું જોવા મળશે એ નક્કી છે ત્યારે રાજકીય શતરંજ પર એક પછી એક મૂવ જોવા મળી રહી છે. દેવેન્દ્ર ફડણવીસે તેમની મુલાકાતમાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં શિવસેના અને બીજપી સાથે ચૂંટણી લડી, પણ ત્યાર બાદ શિવસેનાએ અમારી સાથે સરકાર ન બનાવતાં છેડો ફાડ્યો અને કૉન્ગ્રેસ તથા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવી. જોકે એ પહેલાં અમે એ વખતે પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રસે અમારી સાથે સરકાર બનાવી શકે છે. એટલે અમે તેમની સાથે વાટાઘાટો કરી હતી. અમે શરદ પવાર સાથે બેઠક કરી હતી. હા, હું ભારપૂર્વક કહું છું કે શરદ પવાર સાથે આ બાબતે બેઠક કરી હતી. કઈ રીતે સરકાર સ્થાપવી એની મોડસ ઑપરેન્ડી તૈયાર થઈ ગઈ હતી અને બધું નક્કી થઈ ગયું હતું. હું અને અજિત પવાર એ માટે આગેવાની લઈશું એ પણ નક્કી થયું હતું. જોકે એ સરકાર બને એના ત્રણ-ચાર દિવસ પહેલાં જ શરદ પવારે પીછેહઠ કરી. તે અમારી સાથે ડબલ ગેમ રમ્યા. વાત આગળ વધી ગઈ હતી એથી એ પછી અજિત પવાર પાસે પણ કોઈ ચારો નહોતો. એથી અજિત પવારે અમારી સાથે સરકાર બનાવી. અજિત પવારને હતું કે શરદ પવારે જ એ સરકાર માટે પહેલાં આગેવાની લીધી હતી એથી આપણે શપથ લઈએ અને સરકાર બનાવીએ. શરદ પવાર પાછળથી જોડાઈ જશે અને રાષ્ટ્રવાદીના વિધાનસભ્યો પણ આપણી સાથે જોડાઈ જશે. એવું લાગવાથી જ અજિત પવારે અમારી સાથે મળીને શપથ લીધા. બધું નક્કી થવા છતાં શરદ પવાર અમારી સાથે આવ્યા નહીં અને પછી જે બન્યું એ તો જગજાહેર છે.’
રાષ્ટ્રવાદીના વડા શરદ પવારે ત્યાર બાદ પત્રકાર પરિષદ લઈને એમાં અન્ય મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે તેમના પર ડબલ ગેમ બાબતે કરેલા આક્ષેપનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘બીજેપી અને રાષ્ટ્રવાદીએ મળીને સરકાર બનાવવા પર વિચાર થયો હતો. અમે બીજેપીને બહારથી સપોર્ટ આપવાનું જાહેર કર્યું હતું. જો દેવેન્દ્ર ફડણવીસના આરોપ મુજબ મેં નિર્ણય બદલ્યો હતો તો ફડણવીસે શપથ કેમ લીધા? જો આ સરકારને મારો સપોર્ટ હતો તો બે દિવસમાં સરકાર કેમ પડી ભાંગી? જેની વિકેટ પડી ગઈ હોય એ માણસ પોતાની વિકેટ પડી ગઈ એવું ક્યારેય બોલે? અમે ગૂગલી નાખી અને ફડણવીસ વિકેટ આપી બેઠા તો અમે શું કરીએ.’
શરદ પવારની આ ગૂગલી બાદ ફરી એક વાર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મને બહુ આનંદ થયો છે કે ઍટ લીસ્ટ સચ્ચાઈ શું હતી એ આખરે હું શરદ પવારના મોઢે બહાર લાવી શક્યો. જોકે આ પણ અર્ધસત્ય છે. હું પણ ગૂગલી ફેંકીશ અને બાકીનું સત્ય બહાર લાવીશ. મારી એક ગૂગલીથી આટલી સચ્ચાઈ તો બહાર આવી. હવે બાકીની સચ્ચાઈ પણ બહાર આવશે. હું ધીમે-ધીમે તેમની પાસેથી જ એ સચ્ચાઈ પણ બહાર લાવીશ અને હું એટલું કહેવા માગુ છું કે શરદ પવારની ગુગલીથી મારી નહીં અજિત પવારની વિકેટ ગઈ છે.’
સરકાર સામે અનેક પ્રશ્નો છે, એના પર ધ્યાન આપે : પવાર
શરદ પવારે પત્રકાર પરિષદમાં અન્ય મુદ્દાઓ માંડતાં કહ્યું હતું કે હાલ સરકાર સામે મહત્ત્વના કહેવાય એવા ઘણા પ્રશ્નો છે એના પર એ ધ્યાન આપે. તેમણે રાજ્યમાં છેલ્લા ૧૪ મહિનામાં ૬,૮૮૯ મહિલાઓ ગાયબ થઈ હોવાનું જણાવીને રાજ્ય સરકારે તેમની સુરક્ષા માટે પગલાં લેવાં જોઈએ અને એ મહિલાઓને શોધી કાઢવી જોઈએ એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર સમાન નાગરિક કાયદો લાવવા માગી રહી છે. જોકે એ કાયદો લાવતાં પહેલાં સિખ, જૈન અને પારસી સમુદાયની આ બાબતે શું ભૂમિકા છે એ સ્પષ્ટ થવું જોઈએ. સિખ સમુદાય એમાં સામેલ થવા માગતો નથી એવું મેં સાભળ્યું છે. સરકારને આ બાબતે ૯૦૦ સૂચનો મળ્યાં છે એના પર એણે વિચાર કરવો જોઈએ. લૉ કમિશન જો તેમની દખલ લીધા વગર જ નિર્ણય લેશે તો એ યોગ્ય નહીં ગણાય. સમાન નાગરિક કાયદા દ્વારા મહત્ત્વના પ્રશ્નને ચાતરીને લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કેમ એ પણ જાણવાની જરૂર છે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાની સીબીઆઇ હજી તપાસ કરી રહી છે : દેવેન્દ્ર ફડણવીસ
આ જ ઇન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના નિધન સાથે જોડાયેલા પૂરાવાની સીબીઆઈ હજી તપાસ કરી રહી છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતે તેના બાન્દરાના ઘરે કથિત સુસાઇડ કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. આ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની શંકાના આધારે ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને આરોપોમાંથી મુક્ત કરવામાં આવી છે. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘શરૂઆતમાં જે પણ માહિતી હતી એ માત્ર અફવાઓના આધારે હતી. આમ છતા કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે આ કેસને સંબંધિત તેમની પાસે અગત્યના પૂરાવાઓ છે. એથી તેમનો સંપર્ક કર્યો અને એ પૂરાવાઓ પોલીસને આપવાની વિનંતી કરી હતી. હાલમાં જે પૂરાવાઓ છે એની વિશ્વસનિયતાની તપાસ કરી રહ્યા છીએ. તપાસ હજી પણ ચાલી રહી છે. એથી આ દિશામાં જ્યાં સુધી કોઈ સમાધાનકારી પરિણામ ન મળે ત્યાં સુધી એ વિશે કાંઈ પણ કહેવુ ઉતાવળ કહેવાશે.’