કસારા પાસે માલગાડી પાટા પરથી ઊતરી જતાં ૨૪ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થઈ

12 December, 2023 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીએસએમટી-હાવડા સહિતની ત્રણ ટ્રેનને ડાઇવર્ટ કરવાનો કોઈ રસ્તો નહોતો

યુદ્ધના સ્તરે કામ કરીને પાટા પરથી ઊતરી ગયેલાં તમામ વૅગન દૂર કરવામાં આવ્યાં હતાં

સેન્ટ્રલ રેલવેના કસારા ઘાટ વિભાગમાં રવિવારે માલગાડીનાં સાત વૅગન પાટા પરથી ઊતરી જતાં ઓછામાં ઓછી ૨૪ લાંબા અંતરની ટ્રેન પ્રભાવિત થઈ હતી, જેથી કરીને ૨૧ ટ્રેનને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જ્યારે ત્રણ ટ્રેન અસરગ્રસ્ત સ્થળની નજીક જ અટવાઈ ગઈ હતી. પરિણામે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોડી રાત સુધી ટ્રેનોમાં ફસાયા હતા. જોકે આ ટ્રેનો રાતના સમયે પણ અટવાયેલી પડી હોવાથી અને જરા પણ મૂવ થતી ન હોવાથી પ્રવાસીઓ હેરાન થઈ ગયા હતા.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા શિવરાજ માનસપુરેના જણાવ્યાનુસાર ‘સીએસએમટી-હાવડા સહિતની ત્રણ ટ્રેનને ડાઇવર્ટ કરવાનો કોઈ રસ્તો નહોતો. હાવડા એક્સપ્રેસ આસનગાંવ ખાતે અટકી પડી, જ્યારે પ્રતાપગઢ એક્સપ્રેસ કસારા ખાતે અને સીએસએમટી-મનમાડ પંચવટી એક્સપ્રેસ કલ્યાણ પાસે અટવાઈ હતી. જોકે સારું એ હતું કે ઉપનગરીય લોકલ ટ્રેનના ટ્રાફિકને અસર થઈ નહોતી. ડાઇવર્ટ કરાયેલી ટ્રેનોમાં સીએસએમટી-નાંદેડ એક્સપ્રેસને કલ્યાણ-કર્જત-પુણે, દૌંડ-લાતુર રૂટ દ્વારા ડાઇવર્ટ કરવામાં આવી હતી. જ્યારે સીએસએમટી ગોંદિયા એક્સપ્રેસને કલ્યાણ-પુણે-દૌંડ-મનમાડ રૂટ દ્વારા ડાઇવર્ટ કરવામાં આવી હતી. સીએસએમટી-ફિરોઝપુર પંજાબ મેલ-એક્સપ્રેસને દિવા-વસઈ-ઊધના-જળગાંવ રૂટ દ્વારા ડાઇવર્ટ કરવામાં આવી હતી. સીએસએમટી નાગપુર દુરૉન્તો એક્સપ્રેસને ડાઇવર્ટ કરાઈ હતી. દિવા અને વસઈ રૂટ દ્વારા ડાઇવર્ટ કરાયેલી ટ્રેનોને થાણે અને દિવા સ્ટેશનો પર વધારાના હૉલ્ટ્સ અપાયા હતા. માલગાડી ટ્રેનનાં તમામ વૅગન અકસ્માત સ્થળ પરથી દૂર કરાયાં અને ૮.૩૫ વાગ્યે કસારા યાર્ડ પાછાં મોકલવામાં આવ્યાં હતાં. હવે માલસામાન ટ્રેનનાં તમામ વૅગન (પાટા પરથી ઊતરી ગયેલાં તેમ જ પાટા પરથી ઊતર્યા વગરનાં) અકસ્માતના સ્થળ પરથી દૂર કરવામાં આવ્યાં છે. ડાઉન મેઇન લાઇન રિસ્ટોરેશન અને ક્લિયરન્સનું કામ ગઈ કાલે ૮.૩૫ વાગ્યે પૂર્ણ થયું હતું. કસારાથી ઈગતપુરી બાજુ ડાઉન મેઇન લાઇન પર મેલ-એક્સપ્રેસ ટ્રાફિક મોડેથી શરૂ થયો હતો.’

central railway mumbai local train indian railways mumbai mumbai news