12 June, 2023 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
મુંબઈ : કેન્દ્રના ગૃહપ્રધાન અને બીજેપીના નેતા અમિત શાહે નાંદેડમાં યોજેલી રૅલી બાદ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે બીજેપી ઉદ્ધવ ઠાકરેથી ડરે છે એ સારી વાત છે. નાંદેડમાં રૅલીને સંબોધતાં અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણી અને એ વખતની બીજેપી-શિવસેનાની યુતિ અને ત્યાર બાદ સત્તા મેળવવા માટે શિવસેનાએ બીજેપી સાથે વિશ્વાસઘાત કરી એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવી મહાવિકાસ આઘાડીની સરકાર સ્થાપી હતી એ વાતની લોકોને યાદ દેવડાવી હતી.
સંજય રાઉતે આ બાબતે કહ્યું હતું કે ‘બીજેપી ઉદ્ધવ ઠાકરેથી ડરી રહી છે એ સારી વાત છે. શિવસેનામાં ભાગલા થયા પછી શિવસેનાનું નામ અને સિમ્બૉલ ભલે જતાં રહ્યાં, પણ ઉદ્ધવ ઠાકરેના નામની ધાક છે એ આનાથી પુરવાર થાય છે. અમિત શાહ ટોટલ ૨૦ મિનિટ બોલ્યા હતા એમાંથી સાત મિનિટ તો માત્ર ઉદ્ધવ ઠાકરે વિશે જ બોલ્યા હતા. મને નવાઈ લાગે છે કે નાંદેડમાં યોજાયેલી એ રૅલી બીજેપીના મહાસંપર્ક અભિયાનનો ભાગ હતી કે પછી ઉદ્ધવ ઠાકરેને વખોડવા માટેનું અભિયાન હતું? બીજેપીએ જે સવાલ ઉદ્ધવ ઠાકરને કર્યા છે એ પોતાને કરીને આત્મપરીક્ષણ કરવાની જરૂર છે. બીજેપી આખરે પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગઈ છે.’