29 March, 2023 09:24 AM IST | Mumbai | Rajendra B Aklekar
દાદર સ્ટેશન પાસે એસી લોકલ (ફાઇલ તસવીર : આશિષ રાજે)
વેસ્ટર્ન રેલવેને ઉતારુઓ પાસેથી સારો પ્રતિસાદ અને હકારાત્મક ફીડબૅક મળતાં પશ્ચિમ રેલવેને ટૂંક સમયમાં વધુ એસી લોકલ ટ્રેન મળી શકે છે એમ જણાવતાં ટોચના એક સૂત્રએ મિડ-ડેને કહ્યું હતું કે ટૂંક સમયમાં રેલવેલાઇન માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
દરમ્યાન વર્તમાન નૉન-એસી ટ્રેનના કાફલાને એસી લોકલના કાફલામાં તબદીલ કરવાની યોજના રાજકીય વિરોધ, ઉતારુઓમાં સર્વાનુમતનો અભાવ તેમ જ લાલ ફીતાશાહીને કારણે ધીમી પડી ગઈ છે.
તાજેતરમાં જ ‘મિડ-ડે’એ એના અહેવાલમાં જણાવ્યું હતું કે કઈ રીતે મુંબઈ માટે ૧૩૮ નવી એસી લોકલ મેળવવાની ભવ્ય યોજના અંતહીન ચર્ચા અને અમલદારશાહીમાં અટવાઈ ગઈ છે. ડિસેમ્બર ૨૦૨૨માં મુંબઈને છેલ્લી એસી ટ્રેન મળી ત્યાર બાદથી કોઈ નવો ઑર્ડર મૂકવામાં આવ્યો નથી. જોકે પશ્ચિમ રેલવેએ ૪૦ એસી લોકલ માટે અલગથી માગણી કરી છે.
એક સૂત્રએ જણાવ્યા અનુસાર ઉતારુઓમાં સર્વાનુમત હોવો જરૂરી છે, કેમ કે ઉતારુઓના મનમાં સહેજ પણ વિખવાદ અસંખ્ય વિવાદ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરફ દોરી જઈ શકે છે, જે કોઈ પણ સંજોગોમાં ટાળવાની જરૂર છે.
સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો મુંબઈમાં કુલ ૧૪ એસી લોકલ ટ્રેન છે, જેમાંથી હાલમાં માત્ર ૧૧ ટ્રેન જ કાર્યરત છે. પશ્ચિમ રેલવેનો મુંબઈ વિભાગ આમાંની છ ટ્રેનથી ૭૯ ટ્રેનસેવા દોડાવે છે, જ્યારે મધ્ય રેલવે પાંચ એસી ટ્રેનથી ૫૬ ટ્રેનસેવા દોડાવે છે. બાકીની ત્રણ ટ્રેન મેઇન્ટેનન્સ હેઠળ છે અથવા તો સ્પેરમાં રાખવામાં આવી છે.
ઑગસ્ટ ૨૦૨૨થી એસી લોકલ રાજકીય સાધન બની રહી છે. એનસીપીના સુપ્રીમો શરદ પવારે શહેરમાંથી તમામ એસી ટ્રેન પાછી ખેંચી લઈને નિયમિત આવ-જા કરતા સામાન્ય વર્ગ માટે રેગ્યુલર ટ્રેનો દોડાવવાની માગણી કરી હતી.
કળવા કારશેડ અને બદલાપુરથી લોકલ ટ્રેનમાં ગેરકાયદે ચડતા મુસાફરોના વિરોધને પગલે મધ્ય રેલવેએ માત્ર પાંચ જ દિવસમાં ૧૦ નવી એસી રેલસેવા પાછી ખેંચી લેવી પડી હતી. એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડેએ એસી લોકલ સેવા વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.